સરાલ ગામે સગા ભાઇએ જ ભાઇના મકાનમાં પડેલી તિજોરીમાંથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.46 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
ધાનેરા તાલુકાના સરાલ ગામે વિનેશકુમાર પરસોત્તમભાઇ સુથાર મજુરી કામ કરી સંયુકત પરિવારમાં રહી બે દીકરા, માતા- પિતા અને બહેનનું ગુજરાન ચલાવે છે. દરમિયાન તારીખ 5 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2022ના સમયગાળામાં કોઇ શખ્સ તિજોરીનું લોક તોડી અંદરથી રૂ. 47,000 રોકડા, રૂપિયા 53,200ની સોનાની કંઠી, રૂપિયા 30,000ની સોનાની બુટ્ટી નંગ 4, રૂપિયા 16,500ની સોનાની વિંટી નંગ 1 મળી કુલ રૂ. 1,46,700ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે વિનેશકુમારે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં વિનેશકુમારના સગાભાઇ રાજુભાઇએ જ ઘરમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતુ.
માતાને દવાખાને લઇ જવા માટે પૈસાની જરૂર પડતાં ચોરી થઇ હોવાની જાણ થઇ
વિનેશકુમાર સુથારની માતા પંખુબેનને તારીખ 5 ડિસેમ્બરે પેટના ભાગે પથરીનો દુ:ખાવો થયો હતો. જેમને દવાખાને લઇ જવા માટે પૈસાની જરૂર હોઇ તિજોરીમાં પૈસા લેવા જતાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.