અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 25 મે 2024ના રોજ વિશ્વ થાયરોઈડ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો જેમાં 100થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વૈજ્ઞાનિક ચર્ચા અને સાયંટિફિક-શો ના માધ્યમથી સહભાગીઓને થાઈરોઈડ રોગ, તેના લક્ષણો, થાઈરોઈડના કારણો અને તેને અટકાવવાના ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યુ કે આ દિવસનો હેતુ થાઇરોઇડ ગ્રંથિના મહત્વ વિશે જાગરૂકતા પેદા કરવા અને લોકોને તેને અસર કરી શકે તેવી પરિસ્થિતિઓ વિશે પોતાને શિક્ષિત કરવા ઉજવવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે થાઇરોઇડની સમસ્યાઓ સૌથી સામાન્ય અંતઃસ્ત્રાવી વિકૃતિઓમાંની એક છે. તેની સમસ્યા થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ખૂબ વધારે અથવા ખૂબ ઓછા થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન થવાને કારણે થઈ શકે છે. થાઇરોઇડ રોગ સામાન્ય રીતે અટકાવી શકાતો નથી. આ એટલા માટે છે કારણ કે થાઇરોઇડ રોગના મોટાભાગના કેસો આનુવંશિકતા સાથે જોડાયેલા હોય છે અથવા સ્વયંપ્રતિરક્ષા પરિસ્થિતિઓને કારણે થાય છે, જેને તમે અટકાવી શકતા નથી. પરંતુ, આયોડિનની વધુ પડતી અથવા ઉણપથી સંબંધિત થાઇરોઇડની સમસ્યાઓ અટકાવી શકાય છે.