– ઉપરવાસમાં વરસાદના પગલે
– ડેમની આસપાસની દસથી વધુ ગામોને ફાયદો : વરસાદ પડે તો સમગ્ર ડેમ ભરાશે
ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામ પાસે વર્ષો અગાઉ બનાવવામાં આવેલા ખેડવા ડેમમાં ચોમાસાના અઢી મહિના બાદ ૭૦% પાણી ભરાયુ છે. ઉપરવાસ રાજસ્થાનમાં વરસાદપડતા પાણીનું લેવલ ૨૫૭.૮૫ થયું છે. ડેમ ભરાતા ૧૦ કરતા પણ વધુ ગામોના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામે વર્ષો અગાઉ નદી ઉપર ડેમ બનાવવામાં આવ્યો હતો. આ ડેમમાં પાણી મોટા ભાગે ઉપરવાસ રાજસ્થાનમાંથી આવે છે. ડેમમાં ગત વર્ષે રાજસ્થાન વિસ્તારમાં સારો વરસાદ પડવાથી આ વર્ષે પાણીનો જથ્થો સારો હતો. પરંતુ ચોમાસાના અઢી મહિના બાદ ઉપરવાસમાં રાજસ્થાનમાં વરસાદ પડતા ડેમમાં નવુ પાણી આવ્યું હતું. મહિના અગાઉ ૧૨% પાણી હતું. અને તે પણ ધીમે ધીમે સુકાવા લાગ્યુ હતું. પરંતુ વરસાદ પડતા હાલમાં ડેમમાં ૭૦% પાણી ભરાયુ છે. તેમજ પાણીનું લેવલ ૨૫૭.૮૫ છે અને સ્ટોરેજ ૧૮૯ એમસીએફટી છે. આ ડેમના પાણીથી આજુબાજુના ૧૦ કરતા પણ વધુ ગામોમાં સિંચાઈ માટે પાણી અપાય છે.
ડેમમાં નવુ પાણી આવતા અને ૭૦% પાણી ભરાતા આગામી દિવસોમાં વરસાદ પડશે. તો પુરેપુરો ભરાઈ જશે અને આગામી રવી સિઝનમાં ખેડુતોને સિંચાઈ માટે પાણી મળશે.