શું કોહલી રોહિત શર્માને વાઈસ કેપ્ટન પદેથી હટાવવા માંગતો હતો?

– કોહલી-રોહિત વચ્ચે ટકરાવ હોવાનો ચોંકાવનારો મીડિયા રિપોર્ટ

– રોહિતને બદલે રાહુલને વાઈસ કેપ્ટન બનાવવા કોહલીએ રજુઆત કરી હતી

ભારતીય ટી-૨૦ ટીમના કેપ્ટન તરીકે કોહલીએ આગામી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરતાં ભારતીય ક્રિકેટ જગતમાં અનેક તરંગો સર્જાયા છે. આઇપીએલના પ્રારંભ અગાઉ કોહલીએ ઉતાવળમાં આ અંગેની જાહેરાત કરતાં તેની પાછળના કારણોની ચર્ચા અને અટકળોમાં ભારતીય ક્રિકેટ જગત વ્યસ્ત બની ગયું છે. હવે એક ચોંકાવનારા મીડિયા રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, કોહલીએ વન ડે ટીમના વાઈસ કેપ્ટન તરીકે રોહિત શર્માને દૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. 

મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં પસંદગીકારો સાથેની મિટિંગમાં કોહલીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે, વન ડે ટીમના વાઈસ કેપ્ટન તરીકે રોહિત શર્માને દૂર કરવામાં આવે અને તેના સ્થાને યુવા વિકેટકિપર-બેટ્સમેન કે.એલ. રાહુલને પ્રમોટ કરવામાં આવે. જ્યારે ટી-૨૦ ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન તરીકે રિષભ પંતને જવાબદારી સોંપવામાં આવે. લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇની સિલેક્શન કમિટિએ આ નિર્ણય લેવો જોઈએ. 

રિપોર્ટ જણાવે છે કે, કોહલીની આ પ્રકારની ભલામણથી બીસીસીઆઇ ખુશ નહતુ. તેઓને લાગ્યું કે, કોહલી તેના અસલ અનુગામીને તૈયાર થવા દેવા ઈચ્છતો નથી. આ કારણે તેને ટી-૨૦ કેપ્ટન તરીકે રાજીનામું આપવા જણાવવામાં આવ્યું હતુ. નોંધપાત્ર છે કે, કોહલીએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી તે પછી તેણે પ્લેઈંગ ઈલેવનમાં સતત ફેરફારો કરવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. જેના કારણે ટીમમાં કોઈ ખેલાડીનું સ્થાન સલામત નથી. ટીમમાં સતત ફેરબદલ કરવાની કોહલીની વ્યુહરચના ઘણી વખત ક્રિકેટ જગતના દિગ્ગજો ટીકા કરતાં જોવા મળ્યા હતા.

Comments (0)
Add Comment