– પાલનપુર, ડીસા અને દાંતીવાડા ફોરેસ્ટની ટીમોએ ગન દ્વારા ઈન્જેક્શન મારી દિપડાને બેભાન કરી ઝડપ્યો
– છ કલાકની અફડા-તફડી બાદ દિપડો પાંજરે પુરાયો
બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખેતરમાં આજે વહેલી સવારે દિપડો આવી ચડયો હતો. જેણે ખેતરમાં કામ કરતા ત્રણ ઈસમોને ઈજાઓ પહોંચાડી હતી. આ અંગેની જાણ થતાં આવી પહોંચેલ ફોરેસ્ટની ટીમોએ દિપડો પકડવાની કોશિષ કરતા એક ફોરેસ્ટ કર્મીને પણ ઈજાઓ થઈ હતી. ૬ કલાકની જહેમત બાદ દિપડો પાંજરે પુરાયો હતો.
ભીલડી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નજીક વિસ્તાર રહેતા જોષી અશોકભાઈ દેવરામભાઈ ના ખેતરમાં વહેલી સવારે દિપડો દેખાયો હતો. તેણે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા મગનજી મેવાજી ઠાકોર ઉપર હૂમલો કરતા મગનજીએ બુમાબુમ કરતા તેમને છોડાવવા માટે અમરતજી વરસંગજી ઠાકોર તેમજ બળવંતજી ઈર્શ્વરજી ઠાકોર તેમને છોડાવવા જતા દિપડાએ તેમના પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણેય ઈસમોને આ દિપડાએ બચકાં ભરીને ગંભીર રીતે ઈજાઓ કરી હતી.જયારે મગનજી મેવાજી ઠાકોરને આ અફડા તફડીમાં જમણા હાથે ફેકચર થયું હતું. ત્રણેય ઈસમોને ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા સારવાર આપી વધુ સારવાર માટે ડીસા ગાધી લિકન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેના પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. આ અંગે ફોરસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ડીસા તેમજ દાતીવાડા અને પાલનપુરની ટીમો ત્રણ પાંજરા સાથે ઘટના સ્થળે દોડી આવી દિપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં ફોરેસ્ટ કર્મચારી યોગેશભાઈને પણ ઈજાઓ પહોંચી હતી.
આખરે છ કલાકના ઓપરેશન બાદ દિપડો સકંજો આવતા ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા ગન મારફતે ઈન્જેક્શન મારીને બેભાન કરીને પાંજરામાં પુરતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આ અંગે ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, દિપડાને બાલારામ ખાતે રાખવામાં આવશે અને ત્યારબાદ જંગલમાં છોડી મુકવામાં આવશે.