ટી૨૦ વર્લ્ડ કપ બાદ ટી૨૦ ની કેપ્ટનશિપ થી કોહલી અલવિદા કરશે

ભારતના સૌથી સફળ સુકાનીઓમાં સામેલ વિરાટ કોહલીએ આગામી મહિનાથી રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ બાદ ક્રિકેટની સૌથી નાની ફોર્મેટ ટી૨૦ ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયામાં આ નિર્ણયની જાણકારી આપીને કોહલીએ જણાવ્યું હતું કે મેં માત્ર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ જ નહીં પરંતુ મારી પૂરી ક્ષમતા સાથે તેની કેપ્ટનશિપ કરી છે. હું ટેસ્ટ અને વન-ડેમાં ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખીશ અને વર્લ્ડ કપ બાદ ટી૨૦ ટીમમાં બેટ્સમેન તરીકે રમતો રહીશ. કોહલીએ કેપ્ટનશિપના કાર્યકાળ દરમિયાન તેને સમર્થન આપનાર ખેલાડીઓ , કોચ તથા સમર્થકોનો આભાર માન્યો હતો. ટેસ્ટ અને વન-ડેમાં વધારે સારું નેતૃત્વ કરવા માટે મેં ટી૨૦ ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પણ કોહલીની જાહેરાતને સમર્થન આપીને જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી કોહલી સાથે આ અંગે વાતચીત થઇ રહી હતી. કોહલી ભારતીય ક્રિકેટની તાકાત રહ્યો છે અને ટીમનું શાનદાર નેતૃત્વ પણ કર્યું છે. ભવિષ્યના રોડમેપને ધ્યાનમાં રાખીને કોહલીએ નિર્ણય લીધો છે. બીજી તરફ રોહિત શર્માને ટી૨૦નો સુકાની બનાવવામાં આવશે તેવી અટકળો છે.

Comments (0)
Add Comment