IPLની મેચોમાં અડધું સ્ટેડિયમ ભરાય તેટલા જ પ્રેક્ષકોને પ્રવેશ આપવાનો નિર્ણય

 કોવિડ પ્રોટોકોલ અને યુએઈ સરકારના નિયંત્રણોને ધ્યાનમાં રાખી પ્રેક્ષકોની સંખ્યા નક્કી કરાશે

– ૧૯મીએ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે દુબઈમાં ટક્કર

સંયુક્ત આરબ અમીરાતમાં શરૃ થવા જઈ રહેલી આઇપીએલની બાકીની મેચોમાં મર્યાદિત સંખ્યામાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ ૧૯મી સપ્ટેમ્બર ને રવિવારે મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલાનારા મુકાબલાથી આઇપીએલની ૧૪મી સિઝનની બાકીની મેચો રમવાની છે. જેના પાંચ દિવસ પહેલા જ પ્રેક્ષકોને જૂજ સંખ્યામાં સ્ટેડિયમમાં પ્રવેશ આપવા દેવા લીલીઝંડી દેખાડવામાં આવી છે. કોવિડ પ્રોટોકોલ તેમજ યુએઈ સરકારે જાહેર કરેલા નિયંત્રણોને અનુસરીને સ્ટેડિયમમાં કેટલા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે તેનો નિર્ણય લેવાશે.

આયોજકોએ પ્રેક્ષકોની સંખ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ તો કર્યો નથી. અલબત્ત, જાણકાર સૂત્રો જણાવે છે કે, સ્ટેડિયમની પ્રેક્ષક ક્ષમતાના પચાસ ટકા જેટલા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવી શકે છે. ટૂંકમાં અડધુ સ્ટેડિયમ ભરાય તેટલા પ્રેક્ષકોને પ્રવેશ આપવા માટેની તૈયારી થઈ ચૂકી હોવાનું મનાય છે. પ્રેક્ષકો આઇપીએલની ટિકિટો ૧૬મી સપ્ટેમ્બરથી ઓનલાઈન ખરીદી શકશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું કે, રવિવારે રમાનારી મેચથી અમે ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમોમાં ફરી  આવકારવા માટે તૈયાર છીએ. આઇપીએલની મેચો દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં રમાવાની છે. જેમાં મર્યાદિત સીટ્સ પર પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે. યુએઈની સરકારના નિયંત્રણો અને કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પ્રેક્ષકોની સંખ્યા નક્કી કરવામાં આવશે. નોંધપાત્ર છે કે, વર્ષ ૨૦૧૯ પછી પહેલી વખત આઇપીએલ પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં રમાશે. ગત વર્ષે યુએઈમાં બંધ બારણે જ આઇપીએલનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચાલુ વર્ષે ભારતમાં જ આઇપીએલ યોજવામાં આવી હતી. જે માટે બાયોબબલના કડક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે તે અધુરી રાખવામાં આવી હતી. જે હવે યુએઈમાં આગળ ધપશે ત્યારે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે.

અલબત્ત, કોરોના વિરોધી રસીકરણ પૂર્ણ કરી ચૂકેલા લોકોને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં પ્રવેશવા માટે પ્રેક્ષકોએ તેમના રસીકરણના સર્ટિફિકેટ દેખાડવા પડશે. યુએઈ અને ઓમાનમાં ટી-૨૦ વર્લ્ડ કપની પ્રથમ રાઉન્ડની ક્વોલિફાઈંગ મેચો પણ રમાવાની છે. જે આઇપીએલની ફાઈનલ પૂરી થાય તેના બે દિવસ પછી રમાશે.

Comments (0)
Add Comment