ભાવિ પેઢીને આ વારસો આપ્યાનો વિલક્ષણ રાજીપો : ડૉ જે એન શાસ્ત્રી.
ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે દિનાંક- 16-10-21 ને શનિવારે સાંજે 5-30 વાગે સંસ્થાના પ્રમુખ શ્રી શ્રેયાન્શભાઈના અધ્યક્ષપદે અને સાહિત્યજ્ઞ શ્રી ડૉ કુમારપાળ દેસાઈના મુખ્ય મહેમાનપદે ખ્યાતનામ શાયર શૈલ પાલનપુરીની પ્રેરણા અને સર્વશ્રી ડૉ સતીશ ડણાક, કુમાર જૈમિનિ શાસ્ત્રી, એસ એસ રાહી, રમેશ પુરોહિત અને શકીલ કાદરી સંપાદિત , શૂન્યની ચુનંદા 46 ગઝલોના ગુજરાતના નામી શાયરોએ કરાવેલ આસ્વાદો ના ગ્રંથ શૂન્યની જાહોજલાલીનું ભવ્ય લોકાર્પણ અને તે નિમિત્તે મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પ્રિ.સુભાષભાઈ બ્રહ્મભટ્ટ તથા શૂન્યના પુત્ર શ્રી તસનીમખાં બલુચ અતિથિ -વિશેષ પદે તેમજ કવિ શ્રી રાજેશ વ્યાસ’મિસ્કીન’ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં ડૉ. વર્ષા પ્રજાપતિ’ઝરમર’ ના પ્રાર્થનાગાન અને હેમાંગ ડણાકના ગઝલગાન વડે મંગલાચારણ બાદ મહાનુભાવોએ દીપ પ્રગટાવ્યો હતો.સંસ્થાના મંત્રી શ્રી અમ્બરીષ શાહે સ્વાગત પ્રવચન કર્યું પછી કુમાર આર્ટસ ફાઉન્ડેશનના ટ્રષ્ટીઓ – હેમાન્ગભાઈ ડણાક, ધ્રુતિબેન ડણાક, ઉષાકિરણ શાસ્ત્રી, ચિન્મય શાસ્ત્રી, શિવાની શાસ્ત્રીએ મહેમાનોને છોડનું કુંડું આપીને સ્વાગત કર્યું.સર્વ શ્રી કુમારપાળ દેસાઈ, સુભાષ બ્રહ્મભટ્ટ, રાજેશ વ્યાસ અને કુમાર જૈમિની શાસ્ત્રીએ ગ્રંથ અને શૂન્યના સર્જન વિશે વિશદ વક્તવ્યો આપ્યાં હતાં જેની પૂર્વે શૂન્યની જાહોજલાલીનું સર્વ મહેમાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટે આભારવિધિ કરી હતી.
ત્યાર બાદ આયોજિત મુશાયરામાં પ્રથમ શૂન્યના અવાજમાં તેમની જાણીતી ગઝલ ‘બધા ઓળખે છે’નું તરંનુમ તેમના અવાજમાં રેકોર્ડડ સ્વરૂપે રજૂ કર્યા પછી કવિઓ સર્વ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન,સુરેન્દ્ર કડિયા, કુમાર જૈમિનિ શાસ્ત્રી,લતા હીરાણી, ભાવિન ગોપાણી, મનીષ પાઠક શ્વેત, જિગર ઠક્કર,વર્ષા પ્રજાપતિ અને ચિન્મય શાસ્ત્રી વિપ્લવે સ્વરચિત 2-2 રચનાઓ પ્રસ્તુત કરી હતી. કુમાર આર્ટસ ફાઉન્ડેશન તરફથી સૌ કવિમિત્રોને સર્વ શ્રી અંબરીષ શાહ, સુભાષભાઈ બ્રહ્મભટ્ટ અને પ્રિન્સિપાલ વણઝારા સાહેબના હસ્તે શુભેચ્છા પ્રતીક અર્પણ કરાયાં હતાં. પ્રથમ ખન્ડનું સંચાલન ડૉ અશ્વિન આણદાણીએ અને દ્વિતીય ખંડનું વર્ષા પ્રજાપતિએ સંચાલન કર્યું. 250 જેટલા સુજ્ઞ અને રસિક ભાવકોની ઉપસ્થિતિ વડે કાર્યક્રમ ભવ્ય બન્યો હતો. પાલનપુરથી લોકશાહી અને બનાસના તંત્રી અને જાણીતા આગેવાન શ્રી મુકેશભાઈ ચૌહાણે ખાસ હાજરી આપી હતી. સમાપનની ક્ષણે રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમજ આયોજક સંસ્થા દ્વારા ભોજનસમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.