બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાંથી આજે એલસીબીની ટીમે 3 પિસ્તોલ અને 20 જીવતા કાર્તુસ સાથે એક પરપ્રાંતીય શખ્સની અટકાયત કરી છે. પિસ્તોલ અને કાર્તુસ સહિત રૂપિયા 65 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પાલનપુરથી અમદાવાદ તરફ જતા બ્રિજના પાલનપુર તરફ છેડે રોડ પાસે આજે ત્રણ પિસ્તોલ અને 20 જીવતા કાર્તુસ સાથે એક રાજસ્થાની શખ્સની અટકાયત કરી છે. જિલ્લા એલસીબી ટીમને આજે ખાનગી રાહે માહિતી મળતા જ તપાસ શરૂ કરી હતી તે દરમિયાન પાલનપુરથી અમદાવાદ તરફ જતાં રસ્તા પર આવેલા બ્રિજના છેડે એક શંકાસ્પદ વ્યક્તિ દેખાતા તેની તલાશી લીધી હતી.
રાજસ્થાની શખ્સ પાસે રહેલા થેલામાં તપાસ કરતા તેમાંથી ત્રણ પિસ્તોલ અને 20 જીવતા કાર્તુસ મળી આવ્યા હતા. જેથી એલસીબીની ટીમે ત્રણ પિસ્તોલ 20 જીવતા કાર્તુસ અને મોબાઇલ સહિત કુલ રૂપિયા 68 હજાર 700 રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરી ઈસમ વિરુદ્ધમાં આર્મ એકટ મુજબ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.