સના, પાકિસ્તામાં 27 વર્ષીય પ્રથમ હિન્દુ અધિકારી; અઘરી CSS પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં સફળતા મળી

પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર કોઇ હિન્દુ યુવતી દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરવામાં સફળ થઇ છે. 27 વર્ષની ડૉ. સના રામચંદ ગુલવાણીએ સેન્ટ્રલ સુપિરિયર સર્વિસીસ (સીએસએસ)ની એક્ઝામ આ વર્ષે મે મહિનામાં પાસ કરી લીધી હતી અને હવે તેની નિમણૂક પર પણ મહોર વાગી ગઇ છે. સના મૂળે સિંધ પ્રાંતના શિકારપુરની રહેવાસી છે અને હાલ કરાચીમાં રહે છે.

પોતે મેળવેલી સિદ્ધિ અંગે તેણે જણાવ્યું કે, ‘હું બહુ જ ખુશ છું. જે ઇચ્છતી હતી તે પ્રાપ્ત કરી લીધું છે. મેં આ એક્ઝામ પાસ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. મારાં માતા-પિતા તો નહોતા ઇચ્છતા કે હું વહીવટી ક્ષેત્રમાં જઉં. તેમનું સપનું મને મેડિકલ પ્રોફેશનમાં જ જોવાનું હતું પણ મેં આ બંને ટાર્ગેટ એકવારમાં જ પૂરા કર્યા.’ સના શિકારપુરની સરકારી સ્કૂલમાં ભણી છે. તેણે 5 વર્ષ અગાઉ શહીદ મોહતરમા બેનઝીર ભુટ્ટો મેડિકલ યુનિ.માંથી બેચલર ઑફ મેડિસિનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.

યુરોલોજીમાં તે માસ્ટર ડિગ્રી ધરાવે છે. તે પછી સના ફેડરલ પબ્લિક સર્વિસ કમિશનની તૈયારીમાં લાગી ગઇ હતી. અભ્યાસ અંગે સના કહે છે કે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને નબળા ન આંકવા જોઇએ. તેઓ પણ એલિટ સ્કૂલ્સના વિદ્યાર્થીઓની જેમ કોઇ પણ સફળતા મેળવી શકે છે.

સીએસએસ: માત્ર 2% પરીક્ષાર્થી જ સફળ થઇ શક્યા
​​​​​​​
પાક.માં સીએસએસની એક્ઝામ સૌથી અઘરી ગણાય છે. તેના દ્વારા જ વહીવટી સેવાઓમાં નિમણૂકો થાય છે. આ વર્ષે તેમાં માત્ર 2% પરીક્ષાર્થી જ સફળતા મેળવી શક્યા. આ અઘરી એક્ઝામ અંગે સનાએ પરીક્ષાર્થીઓને મેસેજ આપ્યો કે, ‘પોતાના પર ભરોસો રાખો અને એમ વિચારો કે તમે કોઇ પણ પરીક્ષા પાસ કરી શકો છો.’

Comments (0)
Add Comment