- કાર્યવાહી પાછળ અમેરિકાના 1,062 લાખ કરોડ રૂપિયા ખર્ચ
- તેમાંથી અડધી રકમ પ્રાઈવેટ કોન્ટ્રાક્ટરોના ખાતામાં ગઈ, અનેકે તો ફેક બિલ રજૂ કર્યા
અફઘાનિસ્તાનમાંથી 20 વર્ષ પછી અમેરિકી સેનાને પાછા ફર્યાને એક મહિનો વીતી ગયો છે. આ બે દાયકામાં અમેરિકાએ વૉર ઓન ટેરર હેઠળ અફઘાનિસ્તાન સહિત 8 દેશોમાં યુદ્ધ લડ્યાં જેમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોની મદદ લેવાઈ હતી. તેનાથી અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોનનો સંરક્ષણ ખર્ચ વધી ગયો હતો.
કાર્યવાહી દરમિયાન તેણે 14 ટ્રિલિયન ડૉલર(આશરે 1,062 લાખ કરોડ રૂપિયા) ખર્ચ કર્યા. બ્રાઉન યુનિવર્સિટીના તાજેતરના રિપોર્ટ મુજબ ઉપરોક્ત ખર્ચમાંથી અડધો તો યુદ્ધ વિમાનના સપ્લાય અને અન્ય સેવાઓ માટે સંરક્ષણ કોન્ટ્રાક્ટરોને ચુકવણી કરાઈ.
અહેવાલમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાનમાં મિશનની નિષ્ફળતાનાં મોટાં કારણોમાં આ પ્રાઈવેટ પ્લેયર્સ પણ સામેલ છે જે ભરોસા પર કોઈ પણ સ્તરે ખરા સાબિત નથી થયા. એક રીતે અમેરિકા યુદ્ધના ક્ષેત્રમાં કામો માટે ખાનગી કોન્ટ્રાક્ટરો પર નિર્ભર હતું. 2001માં 11 સપ્ટેમ્બરે આતંકી હુમલા બાદ પેન્ટાગોન સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોને કાર્યવાહી દરમિયાન ન ફક્ત કાફલા માટે ઈંધણના સપ્લાયનું કામ મળ્યું પણ સ્ટાફ અને તેમના માટે યુદ્ધ ક્ષેત્ર સુધી રેશન પહોંચાડવાની જવાબદારી પણ મળી.
ઉપરાંત અફઘાન સુરક્ષાદળોને ટ્રેનિંગ આપવા, તેમને હથિયારોથી સજ્જ કરવા અને દેશમાં ગુપ્ત નેટવર્ક પાથરવા જેવાં મહત્ત્વપૂર્ણ મિશન પણ અપાયાં. તેમની જ ટ્રેનિંગનું પરિણામ રહ્યું કે અફઘાન સેનાએ તાલિબાન સામે લડ્યા વિના જ હથિયાર નાખી દીધાં. રાષ્ટ્રપતિ બાઈડેને નિષ્ફળતાનો સંપૂર્ણ દોષ અફઘાન સેના પર ઢોળ્યો છે. બાઇડેને કહ્યું હતું કે અમે તેમને તક આપી.
રેશન, ટ્રેનિંગમાં 4.5 લાખ કરોડ રૂ.નો ગોટાળો
તર્ક હતો : કોન્ટ્રાક્ટરોથી ખર્ચ ઘટશે, કુશળતા આવશે
સૈન્ય કાર્યવાહીમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોની શરૂઆત ઉપરાષ્ટ્રપતિ ડિક ચેની સાથે થઈ. ત્યારે ચેની હોલિબર્ટન કંપનીના સીઈઓ હતા જે કેવીઆર સાથે કામ કરી રહી હતી. ચેનીનો તર્ક હતો કે ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા કાર્યવાહીનો ખર્ચ ઘટશે અને સૈન્યની કુશળતા વધશે. આ કંપનીની પસંદગી તત્કાલિક રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશે કરી હતી. કેબીઆરને ઈરાકમાં ઈંધણ, ભોજન અને પાયાની સુવિધાઓનું કામ મળ્યું હતું.
શું કર્યું : મોટા પાયે છેતરપિંડી, બિલ વધારી-ચઢાવી મોકલ્યાં
ડિફેન્સ કોન્ટ્રાક્ટ ઓડિટ એજન્સી અનુસાર કેબીઆર(હોલિબર્ટન હવે અલગ થઈ ચૂકી છે) ને ઈરાકમાં 6 વર્ષ માટે 2.2 લાખ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો. પછી આ કંપની પેન્ટાગોનથી વધારે બિલ વસૂલવા લાગી. તેણે બીજા દરજ્જાનું કામ કર્યું. અમેરિકી સંરક્ષણ આયોગનું અનુમાન છે કે 2011 સુધી ઈરાક અને અફઘાનમાં કંપનીઓએ છેતરપિંડી તથા ફેક બિલ બનાવી 4.5 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
ચિંતા વધી : કોન્ટ્રાક્ટરોને લીધે હથિયારો શત્રુ સુધી પહોંચી ગયાં
યુદ્ધનો સામાન સપ્લાય માટે લૉકહીડ માર્ટિન, બોઈંગ, જનરલ ડાયનેમિક્સ, નોર્થોપ ગ્રૂમેન અને રેથિઓનને કોન્ટ્રાક્ટર અપાયો હતો. તેમનો દાવો છે કે તેમને ખાસ ફાયદો થયો નથી. સૌથી મોટા લાભાર્થી હોલિબર્ટનના કેલોગ, બ્રાઉન અને રુટ(કેબીઆર) ડિવિઝન જેવા પુન:નિર્માણ કોન્ટ્રાક્ટર હતા. તેના લીધે યુદ્ધ ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓ પર સેનાનું નિયંત્રણ ઘટી ગયું. કોન્ટ્રાક્ટરોના કામની ગુણવત્તા નીચલી કક્ષાની હતી. તેના કારણે જ અમેરિકી વિરોધીઓ સુધી હથિયારો પણ પહોંચી ગયાં જેનાથી સૈન્ય માટે ખતરો પેદા થઈ ગયો.