આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ, પિતૃઓની આત્માની શાંતિ, મોક્ષ માટે શ્રાદ્ધ વિધી કરાશે

– માતા-પિતાના ઋણમાંથી મુક્ત થવાનો ૧૫ દિવસનો અવસર

– તિથિ યાદ ન હોય તો ‘સર્વપિતૃ અમાસે’ શ્રાદ્ધ વિધી કરવાથી સર્વ પિતૃઓને તૃપ્તી અને મોક્ષ મળી જાય છે

આજે સોમવારથી ૧૫ દિવસના શ્રાદ્ધ શરૂ થાય છે. પિતૃઓની મૃત્યું તિથિ પ્રમાણે તે તિથિના દિવસે ઘરમાં જ પિતૃઓની શ્રાદ્ધ વિધી કરવામાં આવતી હોય  છે. કુટુંબના રિવાજ પ્રમાણે લાપસી અથવા ખીર બનાવીને કાગવાસ કરવામાં આવે છે, બ્રાહ્મણો, કુંવાસીઓને જમાડયા પછી કુટુંબીજનોએ જમવાનું હોય છે. પિતૃઓને શ્રાદ્ધ આપવાથી, તર્પણ વિધી કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. મોક્ષ મળે છે, પિતૃદોષ નિવારણ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધી રહે છે. તિથિમાં ભુલચુક હોય તો સર્વ પિતૃ અમાસે શ્રાદ્ધ વિધી કરવાથી તમામ પિતૃઓને મોક્ષ મળી જાય છે.

ભાદ્રપદ માસમાં આવતો શ્રાદ્ધ પક્ષ પિતૃઓની તૃપ્તી તથા પુત્રોએ માતા-પિતાના ઋણમાંથી મુક્ત થવાનો અવસર ગણાય છે. ગરૂડ પુરાણમાં નર્ક તેમજ પિતૃલોકનું વર્ણન છે. તેમાં પિતૃઓની મુક્તિ માટે પિંડદાનનું મહત્વ બતાવાયું છે. જે પુત્ર પિંડદાન અથવા શ્રાદ્ધ ક્રિયા કરે છે તેને પિતૃઓ પ્રસન્ન થઇ ધન, ધાન, સુખ, વૈભવ અને યશકિર્તી પ્રાપ્ત થાય તેવા આશિર્વાદ આપે છે.

ભુદેવોને પૃથ્વીના દેવો કહ્યા છે. તેમના મંત્રોથી પિંડદાન અથવા તર્પણ અને અર્ગ મંત્રો દ્વારા આપવાથી પિૃત પ્રસન્ન થાય છે. જન્મકુંડળી વગેરેમાં પિૃત દોષ હોય તો નારણબલી, કાગબલી, નાગબલી વગેરે શ્રાદ્ધ તિર્થ સ્થળે જઇને કરવામાં આવે છે.

શ્રાદ્ધ અને તર્પણ માટેના સ્થાન માતૃગયા તિર્થ સિદ્ધપુર અને પિતૃઓ માટે પ્રયાગક્ષેત્ર, ચાણોદ, કર્નાલી, સોમનાથ તથા તિવેણી સંગમ જેવા તીર્થમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર દ્વારા સપિંડ કર્મ અને શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓને મુક્તિ અને મોક્ષગતિ પ્રાપ્ત થઇ જતી હોય છે.

શ્રાદ્ધ પક્ષના પંદર દિવસમાં પિતૃઓની મરણ તિથી પ્રમાણે ઘરમાં શ્રાદ્ધવિધી કરવાની હોય છે. પિતૃઓના શ્રાદ્ધમાં તિથીમાં ભુલચુક રહી હોય અથવા તિથિ  યાદ ન હોય તેવી સ્થિતિમાં અમાસના દિવસે ‘સર્વપિતૃ અમાસે ‘શ્રાદ્ધ કરવાથી તમામ પિતૃઓને મુક્તિ મળી જાય છે.ભાદ્ર પક્ષમાં શ્રાદ્ધની વિધી ઘરમાં કરવાની હોય છે.

 આ અંગે પુરાણી મહેન્દ્ર મહારાજના જણાવ્યા મુજબ ઘરમાં બાજટ અથવા પાટલા પર સફેદ કાપડ મુકીને તેના પર ભગવાન વિષ્ણુંનું સ્થાપન કરવું જોઇએ. પંચોપચાર દ્વારા તેની પુજા કર્યા પછી ઘંઉ કે ચોખાના લોટના પિતૃઓના પિંડ બનાવવા.કુલ ૩ તર્પણ આવે છે. દેવ તર્પણ, ઋષિ તર્પણ અને પિતૃ તર્પણ, પિંડની પૂજા કરવી , પિંડ પર વસ્ત્ર, તલ ચઢાવવા, પૂજા કરી કાગવાસ નાંખવો, લાપસી અથવા ખીર બનાવી કાગવાસ કરવો, પિતૃઓને થાળ ધરાવવો અને પછી કુટુંબીજનોએ ભોજન કરવું. શ્રાદ્ધની વિધી સવારે શુભ મુહુર્તમાં કરવી. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર થકી વિધી કરાવવી જોઇએ.

શ્રાદ્ધના ૧૫ દિવસ દરમિયાન નવા ઘરનું વાસ્તું, યજ્ઞા, ગૃહપ્રવેશ, લગ્ન વગેરેશુભકાર્યો થતા નથી. શ્રાદ્ધના દિવસે પાંચ બાળકીઓ, બ્રાહ્મણોને જમાડવા જોઇએ. 

Comments (0)
Add Comment