વર્તમાન સંગીતની ઘોર ખોદી, લોકસંગીતની આપણી ઉજળી પરંપરાને આપણે ક્યાં લઇ જઈ રહ્યા છીએ ?

લેખક – ઋષિકેશ રાવલ “ઋષિરાજ”

પ્રજાજીવનનો શ્વાસોશ્વાસ એટલે એનું લોકસાહિત્ય. માનવીનો જન્મ, મૃત્યુ, ઉછેર, ક્રીડાગીતો. લગ્ન અને આનંદ ઉલ્લાસ, હર્ષશોકનો અદભુત વણાટ એટલે લોકસાહિત્ય. જે કાગળ ઉપર નહિ ઉતરેલું પણ લોકોના કંઠમાં પરંપરાગત વસીને જીવનને સમગ્ર સૂરોથી ભરી દેતું સાહિત્ય એટલે લોકસાહિત્ય. આ સાહિત્ય પ્રજાનું જીવંત સંસ્કારબળ હોય છે. નાનકડો દુહો કે વાર્તા, નવરાત્રીનો ગરબો કે લગ્નનું ગીત, હિંચકે ઝુલાવતાં બાળકો માટે ગવાતું હાલરડું કે મૃત્યુના શોકમાં ગવાતા મરશિયા. ઋતુગીતો કે ઉલ્લાસ ગીતો, કહેવતો, ભરથરીના ભજન, રાવણહથ્થાવાળાઓના ગીત, ખેતરમાં કોસ હાંકતા ખેડૂતોના ગીતો કે ભડલી વાક્યો. આ બધામાં પ્રજાજીવનનો ધબકતો રણકાર એટલે લોકસાહિત્ય.
આમ તો, વિશ્વનો એકેય પ્રદેશ એવો નહી હોય કે જેને પોતાનું લોકસાહિત્ય ન હોય ! સદભાગ્યે સૌરાષ્ટ્રને મેઘાણીજી મળ્યા કે, જેમણે તે પ્રદેશના લોકસાહિત્યને ભેગું કરીને લોકો સમક્ષ મૂકી આપ્યું, તેની સાથે સાથે ઉત્તમ લોકગાયકો મળ્યા કે, જેમણે તે લોકસાહિત્યને સુંદર રીતે ગાઈને વિશ્વભરમાં ઉજાગર કરી આપ્યું. જેને કારણે ઉત્તર ગુજરાતને સતત એક મહેણું સાંભળવું પડતું હતું કે, “ઉત્તર ગુજરાત પાસે તેનું કોઈ આગવું લોકસાહિત્ય જેવું છે જ નહિ” જો કે, પુષ્કર ચંદરવાકર, અમૃત પટેલ જેવા લોકસાહિત્યના સંશોધકોએ ઉત્તર ગુજરાતના લોકસાહિત્યના સંશોધન ક્ષેત્રે કામ કર્યું. પણ ઉત્તર ગુજરાતના લોકસાહિત્યને સંગીતમય રીતે વિશેષ ઉજાગર કરવાનું કામ તો પ્રશાંત જાદવ અને મણિરાજ બારોટે કર્યું છે. ઉત્તર ગુજરાતનો મણિયારો, “હોક્લીયો ચીયા ગોમ જ્યોતો”,અરર..રર માડી રે છોણા વીણવા ગઇ’તી લ્યા”, જીલણ તારા પોણી”, “ફકીરાના નાથીયા”,‘રાજુડી ને શોન્તાડી બે ચાર લેવા જ્યાતા”, “પોપટ જોણીને મેં તો પોંજરૂ ઘડાયું”, જેવાં ગામડે ગામડે વેરાયેલાં પડેલાં લોકગીતોને શોધીને લોકોના હૈયે-હોઠે કે કંઠે રમતા કર્યા. ઉત્તર ગુજરાતના લોકસાહિત્યને એક આગવી ઓળખ અપાવી.
એક સમયે અમદાવાદ દૂરદર્શન ઉપર મહિનામાં બે વાર રવિવારે સાંજે ચારથી છ વાગ્યા સુધી ગુજરાતી લોકસંગીત –ડાયરાના કાર્યક્રમો પ્રસારિત થતા. જેમાં મધુસુધન વ્યાસ, ભીખુદાન ગઢવી, પ્રફુલ દવે, ભારતી કુંચાલા, મીના પટેલ, વત્સલા પાટીલ, દિવાળીબેન ભીલ, લલીતા ઘોડાદ્રા, કરસન સાગથીયા, યોગેશ ગઢવી, અભેસિંગ ચૌહાણ, હેમંત ચૌહાન, હેમુ ગઢવી, હાજી રમકડું, અરવિંદ બારોટ, નિરંજન રાજગુરુ, શાહબુદ્દીન રાઠોડ જેવા ઉમદા કલાકારો તેમની કળા દ્વારા સંગીતપ્રેમીઓને ઘેલા કરતા. દૂરદર્શન ઉપર લોકો રવિવારના ડાયરાની રાહ જોતા બેઠા હોય. પ્રશાંત જાદવ, રજની ઠાકર, બીપીન બાપોદરા, જેવા કાર્યક્રમ નિર્માતાઓ ખૂણે ખૂણેથી ઉત્તમ કલાકારોને શોધીને તેમને મંચ પૂરો પડતા. “ઈ ટીવી” ઉપર પણ વગડાનાં ફૂલ, લોકજીવનનાં મોતી, જેવાં લોકસાહિત્ય અને સંગીતના ઉત્તમ કાર્યક્રમો પ્રસારિત થતા અને તે બહાને પરોક્ષ રીતે પણ ગુજરાતી પરંપરાનું સંસ્કાર ઘડતર થતું. ઘરનાં અબાલવૃધ્ધ બધાં એકસાથે બેસીને તે કાર્યક્રમ માણી શકતા. જોકે, આજે કીર્તીદાન ગઢવી, આદિત્ય ગઢવી, નીતિન બારોટ જેવા લોકગાયકો તે પરંપરાને આગળ વધારી જઈ રહ્યા છે. પરંતુ, છેલ્લા કેટલાક વરસોથી દૂરદર્શનને પણ કઈ ગ્રહણ લાગ્યું છે કે, આવા કાર્યક્રમો બંધ કરી દીધા છે, મહિનામાં એકાદ બે દિવસ રાત્રે દોઢ વાગ્યે ડાયરો પ્રસારિત કરીને શિષ્ટ કાર્યક્રમો પ્રસારિત કર્યાનો સંતોષ માની લે છે.
પરંતુ, અહીં મારે મૂળ વાત એ કરવી છે કે, સંસ્કાર ઘડતરનું કામ કરનાર આ લોકસાહિત્યને છેલ્લા થોડા વરસોથી કેટલાક માત્ર ગમે તે રીતે પણ પૈસો અને સસ્તી લોકપ્રિયતા મેળવવાની વૃત્તિ ધરાવનારા સ્વાર્થઅંધીઓ કઈ દિશામાં લઇ જઈ રહ્યા છે.? કેટલી હલકી અને નિમ્નકક્ષાના શબ્દોવાળા ગીતો રોજેરોજ ઢગલાબંધના ભાવમાં રીલીઝ થયા કરે છે. એ નિર્માતાઓને કે ગીતકારોને પણ કઈ નહિ થતું હોય કે મનોરંજનના બહાને અમે આ શું કરી રહ્યા છીએ ? થોડાક સમય પહેલાં “બેવફા ..ના નામની અસંખ્ય સીરીઝ આવી હતી. હાલમાં જાનુડીને આવી છે. આ ગીતોના શબ્દો તો જુઓ કદાચ બોલતાંય શરમ આવે એવા શબ્દોના ગીતો ઉપર વરઘોડામાં જમીન ઉપર આળોટી-આળોટીને પત્ની અને બાળકો સાથે ડાન્સ કરતા હોય છે.
• બૈરું ગયું પિયર ને ઘરમાં પડ્યું બીયર,
• બેબીને બોર્ન્વીટા પીવડાવો બેબી મોનતી નથી.
• એક હાથમાં વોટર, બીજા હાથમાં ક્વોટર
• તે દિલ તોડ્યું મારું નખ્ખોદ જાય તારું,
• બૈરું એક નંબર કહેવાય, લવર બે નંબર કહેવાય
• દીકું દીકું કરી દુ રમાડી ગઈ જાનુ
• જાનું મારી વ્હીસ્કી ઘરવાળી દેશી દારુ
• તું નથી તો બેન તારી
• દેશી દારૂ ઈંગ્લીશ માલ
• ભક્ક્મ લાગો સો
• ઘણા દહાડે લવરની યાદ ચોથી આઈ.
• હાથમાં છે વ્હીસ્કી ને આંખીમાં પાણી
• મોમાં મારા ભપોમ ભપોમ ગાડી લય, આગળ બેસાડી ભપોમ વગાડો
તો શું આપણે આ ગીતો વડે એ ચકાસવા માંગીએ છીએ કે, આ લોકસંગીતને કેટલી નીચી કે નિમ્ન કક્ષાએ લઇ જવાની આપણી ક્ષમતા છે ? આપણા બાળકોને આપણે આ શીખવાડવા માંગીએ છીએ ? આ ‘જાનુ’ અને ‘બૈરું દેશી દારૂ કે’વાય’ એવા સંસ્કાર આપવા માંગીએ છીએ ? આવા શબ્દોવાળા ગીતો દ્વારા આ ગીતકારો ક્યા સંસ્કાર સિધ્ધ કરવા ઈચ્છે છે ? એમને એ વિચાર નહી આવતો હોય કે, માત્ર અને માત્ર સસ્તી લોકપ્રિયતાની આંધળી દોટમાં આપણે ઝવેરચંદ મેઘાણી, કાગ બાપુ, ભીખુદાનભાઈ, પ્રફુલભાઈએ સ્થાપિત કરેલી એ ઉજળી ગુજરાતી સંસ્કારિતાને આપણે ધૂળધાણી કરી રહ્યા છીએ ? એનો જરા તો વિચાર કરો…..ક્યાં જઈને અટકશે આ. ખેર ! ઈશ્વર એમને સદબુધ્ધિ આપે. મિત્રો મારી આ વાત સાથે તમે સંમત હોવ તો જરૂર એને શેર કરજો.

Comments (0)
Add Comment