ધાનેરા તાલુકાને ડીસા બસ ડેપોનું ઓરમાયું વર્તન, 4 બસો બંધ કરી દેતાં મુસાફરોમાં રોષ

રિપોર્ટર – પોપટ લાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકામાં બસ ડેપો ન હોવાથી ધાનેરાની બસ માટે ડીસા ડેપો લાગે છે. અને ડીસા ડેપો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ધાનેરા સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એકાદ મહીનામાં ચાર બસ બંધ કરી દેવામાં આવતા અને તેમાં પણા અંબાજી જતી બસ માટે લોકોમાં નારાજગી છે. ધાનેરામાં એસ.ટી. ડેપો ન હોવાના કારણે ધાનેરા ખાતે આવતી તમામ બસનું મેનેજમેન્ટ ડીસા ડેપો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ધાનેરાથી બહાર જતી બસ ઉપર પણ કાપ મુકવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને વર્ષોથી ચાલતી સવારે 7 કલાકે ધાનેરાથી સુરત જતી બસ બંધ કરાઇ છે. રોજ સવારે ધાનેરાથી અંબાજી જતી બસ પણ બંધ કરવામાં આવી છે. માત્ર અઠવાડીયામાં એકાદ દિવસ ચાલુ રહે છે. સવારે 10 કલાકે ધાનેરાથી પાંથાવાડા જતી બસ પણ 20 દિવસથી બંધ કરી દેવામાં આવી છે. ધાનેરા-ડીસા-પાલનપુર જતી 8-30 ની બસ પણ બંધ કરવાથી કોલેજ જતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને પણ ભારે અગવડ ઉભી થવા પામી છે. તે સિવાય ધાનેરાથી બેવટા જતી બસને પહેલા ધાખા, ડુવા, કિયાલ થઇને બેવટા જતી હતી તે બસને વાયા પાવડાસણ કરી દેવામાં આવતા આ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ બસોના લીધે કેટલાય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ધાનેરાના જાગૃત નાગરીક ઇશ્વરલાલ પટેલએ જણાવ્યું હતું કે ‘ડીસા ડેપો દ્વારા છેલ્લા બે ત્રણ વર્ષમાં 20 જેટલી બસો બંધ કરી દેવામાં આવી છે અને આ બે મહીનામાં ફરીથી ચાર બસ બંધ કરી દેવામાં આવી છે. એસ.ટી. વિભાગના કર્મચારીને પુછતા જણાવ્યું હતું કે ‘તમે જે વાત કરી તે બસો બંધ થયેલ છે અને તે બાબતે લોકોની રજુઆતો આવેલ હતી તે અમારા અધિકારીના ધ્યાને મુકવામાં આવી છે અને બસ ચાલુ કરવી તે અમારા હાથમાં નથી.

Comments (0)
Add Comment