પાલનપુરમાં ભૂગર્ભ ગટરની થઇ રહી છે નબળી કામગીરી બંધ કરાવવા કલેકટરને કરી રજુઆત

– ભૂગર્ભ ગટરનો રી-સર્વે કરી યોજનાનો મૂળ આશય જાળવવા માંગ

– ભૂગર્ભ ગટરમાં માત્ર ૬ થી ૯ ગેજની પાઇપો નાખવાથી જીવલેણ સમસ્યા સર્જાવાની રાવ

પાલનપુરમાં વિવાદોમાં સપડાયેલ ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈ ફરી વિવાદ સર્જાયો છે.જેમાં શહેરના ગંદા પાણીના નિકાલ માટેની યોજનામાં માત્ર ૬ થી ૯ ગેજની પાઇપો નાખવામાં આવતા ભૂગર્ભ ગટરની કામગીરી અટકાવવા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરાઈ છે. 

પાલનપુરમાં ૨૫ કરોડ ઉપરાંતના ખર્ચે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો નાખવાની કામગીરી ચાલી રહી છે.જેમાં મનફાવે ત્યાં આડેધડ ખોદકામ કરીને લાખો રૂપિયાના ખર્ચે બનેલ રોડ રસ્તા ખોદી નાખવામાં આવતા અને બિસ્માર બનેલ આ માર્ગોનું સમાર કામ કરવામાં ન આવતા ભૂગર્ભ ગટર યોજના શહેરી જનો માટે માથાના દુઃખાવા સમાન બની હોઈ છે. શહેરમાં પાણીની લાઈનોમાં ૧૪ થી ૧૮ ગેજની પાઈપો નાખવામાં આવેલી છે તેની સામે ગટરના દુષિત પાણીના નિકાલ માટે આ ભૂગર્ભ ગટરમાં માત્ર ૬ થી ૯ ગેજની પાઇપો નાખવામાં આવતા ભૂગર્ભ ગટર પાછળ સરકારની કરોડોની રકમ વેડફાઈ ન જાય તે માટે જાગૃત નાગરિક અમૃતલાલ કે ચૌહાણ ેજિલ્લા કલેકટરને ભૂગર્ભ ગટરની કામગીરી સ્થગિત કરાવવા અને શહેરના બુદ્ધિજીવી લોકોનો અભિપ્રાય મેળવી ભૂગર્ભ ગટરનો રી-સર્વે કરાવી સરકારની આ યોજનાનો મૂળ આશય સિદ્ધ થાય તે દિશામાં કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને તેમની માંગ સ્વીકારવામાં નહિ આવે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપવામાં આવી છે.

ગટરના ખોદકામમાં લાખો રૂપિયા ખર્ચે બનેલ રસ્તાઓનું સત્યાનાશ

પાલનપુરમાં ભૂગર્ભ ગટરના કામમાં જાહેર રોડ રસ્તાનું આડેધડ ખોદકામ કરવામાં આવતા શહેરના અનેક વિસ્તારોમાં લાખોના રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ રસ્તાઓનો સત્યાનાશ થઈ જવા પામ્યો છે.

રોડના સમાર કામના નામે માત્ર થિંગડાં મરાઈ રહ્યા છે

સોનબાગ નજીક સમતા સ્કૂલ થી આંબાવાડી જતા માર્ગ પર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ ને ભૂગર્ભ ગટર માટે ખોદી નખાયો હતો અને આ બિસ્માર માર્ગ પર છ માસ બાદ સમાર કામના  બહાને તાજેતરમાં થિંગડા મારવામાં આવ્યા હતા તે પણ સામાન્ય વરસાદમાં ઉખડી ગયા છે.

ખોદકામથી તીનબત્તી વિસ્તાર બિસ્માર બન્યો

હાલ પાલનપુરના તીનબત્તી વિસ્તાર ભૂગર્ભ ગટર નાખવા માટે આડેધડ ખોદકામ કરવા માં આવતા અને મસ મોટા ખાડા ખોદી માટી જાહેરમાં ફેંકવામાં આવતા લોકોને મકાન બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

Comments (0)
Add Comment