ટ્રાફિક સમસ્યા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં યોજાયેલ લોક દરબારમાં લોકો દ્વારા ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેથી ધાનેરા પોલીસે મંગળવારે ટ્રાફિકના નિરાકરણ માટે કામગીરી હાથ ધરી હતી. જેમાં રસ્તામાં આડેધડ પાર્ક કરેલા વાહનોને લોક કરવામાં આવ્યા હતા. ધાનેરામાં જુના બસ સ્ટેન્ડથી ગંજ રોડ ઉપર આડેધડ પડ્યા રહેતા વાહનો તેમજ દુકાનદારો પોતાની દુકાન આગળ મોટા પ્રમાણમાં સામાન મૂકી અડચણ ઉભી કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા વધુ થતી હતી. જેના કારણે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી.પટેલ તેમજ ટ્રાફિકની ટીમ દ્વારા રસ્તામાં આડેધડ પાર્ક કરેલા વાહનોને લોક કરવામાં આવ્યા હતા. તેમજ દુકાનની બહાર સામાન મુકતા દુકાનદારોને સામાન બહાર ન મુકવા માટે પ્રથમ દિવસે ચેતવણી આપવામાં આવી હતી. અને જો બીજા દિવસે જોવા મળશે તો પોલીસ દ્વારા તે સામાન જપ્ત કરવામાં આવશે અને દુકાનદાર સામે રસ્તામાં નડતરરૂપની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. જેથી રસ્તા ઉપર વાહન મુકતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી.પટેલએ જણાવ્યું હતું કે ધાનેરામાં મુખ્ય રસ્તા ઉપર લારીઓ દુકાન આગળ સામાન અને વાહનો રસ્તા વચ્ચે મૂકી દેતા આ ટ્રાફિક સમસ્યા ઉભી થવા પામી છે.