વિશ્વ કલ્યાણ, વિશ્વશાંતિ અને સામાજિક ઉત્કર્ષ માટે મા અર્બુદા સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને પંચામૃત મહોત્સવના આયોજકો સાથે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

તા. ૩ થી ૫ ફેબ્રુઆરીના રોજ મા અર્બુદાના રજત મહોત્સવ નિમિત્તે ૧૦૮ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞના પહેલાં દિવસે તા.૨ જી ફેબ્રુઆરીએ વિશાળ શોભાયાત્રા નિકળશે

તા. ૩૦ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમિયાન થરા સમૈયો (પંચામૃત મહોત્સવ)માં પુનઃપ્રાણપ્રતિષ્ઠાિ મહોત્સવ, ૩૦૦૧ દિકરીઓના સમૂહ લગ્ન, મહારૂદ્ર યજ્ઞ, ભંડારા મહોત્સવ અને સમસ્ત ભરવાડ સમાજના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તા્હનું આયોજન કરાયું

રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા

વિશ્વ કલ્યાણ, વિશ્વશાંતિ અને સામાજિક ઉત્કર્ષ માટે મા અર્બુદા સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને પંચામૃત મહોત્સવના આયોજકો સાથે પાલનપુર ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. તા. ૩ થી ૫ ફેબ્રુઆરીના રોજ માતૃશ્રી આર.વી.ભટોળ ઇંગ્લિશ મિડીયમ વિદ્યાસંકુલ, લાલાવાડા-જગાણા રોડ, લાલાવાડા તા. પાલનપુર ખાતે યોજાનાર મા અર્બુદાના રજત મહોત્સવ નિમિત્તે ૧૦૮ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧ લી ફેબ્રુઆરીના રોજ સમગ્ર જિલ્લામાં સફાઇનું મહાઅભિયાન યોજાશે તથા તા. ૨ જી ફેબ્રુઆરીના રોજ સવારે-૯.૦૦ વાગ્યાથી વિશાળ શોભાયાત્રા નિકળશે. તેવી જ રીતે તા. ૩૦ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમિયાન થરા સમૈયો (પંચામૃત મહોત્સવ) નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠાો મહોત્સવ, ૩૦૦૧ દિકરીઓના સમૂહ લગ્ન, મહારૂદ્ર યજ્ઞ, ભંડારા મહોત્સવ અને સમસ્ત ભરવાડ સમાજના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તા હનું આયોજન કરાયું છે.

શિવ અને શક્તિની ઉપાસનાના આ બંને કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રી આનંદ પટેલે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપતા જણાવ્યું હતું કે, તા. ૨ જી ફેબ્રુઆરીના રોજ વિશાળ શોભાયાત્રા નિકળવાની હોવાથી ટ્રાફિક નિયમન, કાર્યક્રમના સ્થળે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, પોલીસની સાથે સમાજ દ્વારા પણ કંટ્રોલ રૂમ બનાવવામાં આવે, પબ્લીક એડ્રેસ સીસ્ટમ, વાહન પાર્કિગના સ્થળો નક્કી કરવા, રસ્તા મરામત, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને મેડીકલ ટીમો તૈનાત રાખવા ઉપરાંત કોઇ અનિચ્છનિય ઘટના બને તો તેને પહોંચી વળવા બનાસ મેડીકલ કોલેજ, ધારપુર મેડીકલ કોલેજ અને વડનગર મેડીકલ કોલેજ સહિત વડગામ, કાંકરેજ, ડીસા સહિતના સંબંધિત વિસ્તારના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓના પુરતા જથ્થા સાથે સ્ટાફ રાખવામાં આવે, સતત વીજ પુરવઠો જળવાઇ રહે, પુરતા પ્રમાણમાં એસ.ટી.બસની સુવિધા, રસ્તાઓ ઉપરના દબાણો દૂર કરાવી મોબાઇલ ટોયલેટ અને ફાયર ફાઇટરની વ્યવસ્થા રાખવી, પીવાના પાણીની વ્યવસ્થા, રખડતા ઢોરોને વાડામાં પુરવા પશુપાલકો સાથે બેઠક યોજીને જરૂરી પગલાં લેવામાં આવે, જે વિસ્તારમાં આ કાર્યક્રમો યોજાવાના છે એ વિસ્તારની શાળાઓમાં સ્થાનિક રજા જાહેર કરવા સહિતની જે પણ કામગીરી વહીવટી તંત્ર તરફથી કરવાની થાય છે તે અંગે આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્રએ ભાદરવી પૂનમના મેળામાં ખુબ સુંદર આયોજન કરીને યાત્રિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેવી સરસ વ્યવસ્થા કરી હતી. તેની તર્જ પર આ બે સંસ્થાઓના કાર્યક્રમમાં પણ તંત્ર દ્વારા સેવાભાવનાથી કામગીરી કરવામાં આવે તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજી, ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, સમાજના અગ્રણીઓ સર્વશ્રી પરથીભાઇ ભટોળ, શ્રી કેશરભાઇ ભટોળ, શ્રી શામળભાઇ કાગ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. એન. પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments (0)
Add Comment