ધાનેરાનાં 63 ગામોને શુદ્ધ પીવાનું પાણી મળશે

ધાનેરા વિસ્તારની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા 6 ડિસેમ્બર-2020 ના રોજ રૂ. 241.34 કરોડના ખર્ચે સીપુ જૂથ યોજનામાં નર્મદાના નીર ઠાલવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. અને તેને 2 વર્ષ પુરા થતાં આ કામગીરી પૂર્ણ થતા લાઇન ટેસ્ટીંગ માટે પાણી શરૂ કરવામાં આવ્યું છે અને 1 જાન્યુઆરીથી 62 ગામડાઓ અને એક ધાનેરા શહેરને રોજનું 4 કરોડ લીટર ફિલ્ટર પીવાનું પાણી આપવા માટે પાણી પુરવઠાની ટીમ દ્વારા ચક્રો ગતીમાન કર્યા છે.

કેન્દ્ર સરકારની જળ જીવન મિશન યોજના હેઠળ ધાનેરા તથા દાંતીવાડા તાલુકાના ગામડાઓને ફિલ્ટર પીવાના પાણી મળે તે માટે 241.34 કરોડના ખર્ચે ખાસ યોજના બનાવવામાં આવી છે. જેમાં નર્મદાની મુખ્ય કેનાલ એટલે થરાદ તાલુકાના ભાપી ગામથી પાઇપ લાઇન દ્વારા થરાદના ખેંગારપુરા ગામે પાણી લાવવામાં આવ્યું હતું અને ત્યાં પ્લાન્ટમાં પાણી ફિલ્ટર કરીને આ ફિલ્ટર પાણીને પાઇપલાઇન મારફત ધાનેરા તાલુકાના સરાલ (વિડ) ગામે મોટા હોઝ બનાવી સ્ટોરેજ કરવામાં આવશે.

ત્યાંથી સામરવાડા, ખીંમત, જડીયા અને વિઠોદર ખાતેના સંપોમાં નાંખીને તમામ ગામડાઓને જ્યાં સિપુની લાઇનો છે તે મારફત પુરું પાડવામાં આવનાર છે. આ પાણી આપવા માટે હાલમાં પાણી પુરવઠા દ્વારા ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને 1 જાન્યુઆરી-2023 થી આ તમામ ગામડાઓને પીવાનું શુધ્ધ પાણી મળતું થશે.આ અંગે પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે જણાવ્યું હતુ કે પાણી માટે અવાર-નવાર વિધાનસભામાં પણ રજુઆતો કરી અને પ્રધાનમંત્રી સુધી પણ આ બાબતે રજુઆતો કરી હતી.

6 મોટી હેડવર્ક ટાંકીઓથી પાણી વિતરણ
જળ જીવન મિશન યોજના હેઠળ ધાનેરા તથા દાંતીવાડા તાલુકાના 63 ગામડાઓ અને ધાનેરા શહેરને 1 જાન્યુઆરીથી 6 મોટી હેડવર્ક ટાંકીઓથી કરોડ લીટર પીવાનું શુધ્ધ પાણી આપવામાં આવશે. જેથી આ બન્ને તાલુકાઓમાં પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે. -અર્જુન વાઘેલા (નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ-ધાનેરા)

Comments (0)
Add Comment