પાંથાવાડા-ગુંદરી હાઇવે પર બુધવારે મોરબીથી સિરામિક ટાઇલ્સો ભરીને ગુંડગાવ જતા ટ્રેલરમાં આગ લાગી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રેલર ખાખ થઈ ગયું હતું. જ્યારે ચાલક અને ક્લીનર સમયચુકતા વાપરી ટ્રેલરમાંથી ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો.
આ બનાવની જાણ પાંથાવાડા પોલીસને થતા પોલીસ મથકના પીએસઆઈ એ.કે.દેસાઈ સ્ટાફ સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યાં હતા. આગના પગલે ટ્રાકિ જામ સર્જાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી ટ્રાફિકની હળવો કરવામાં આવ્યો હતો.