દાંતીવાડાના ડેરી ગામના ત્રણ સંતાનના પિતાની પથ્થર – ધોકા મારી કરપીણ હત્યા

દાંતીવાડાના ડેરી ગામમાં રાત્રે ખેતરે જઈ રહેલા યુવકની અજાણ્યા શખ્સોએ માથામાં પથ્થર અને ધોકા મારી હત્યાકરી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા પગેરૂ શોધવા તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા તાલુકાના ડેરી ગામના ગણેશાજી પાંચાજી રબારી (ઉ.વ.35) બુધવારના મોડી રાત્રે ઘરેથી વાળું કરી ખેતરમાં જવા નીકળ્યા હતા. જેમની રસ્તામાં કોઈ અજાણ્યા ઈસમે માથા અને કાનના ભાગે પથ્થર તેમજ લાકડાના ધોકાના ઘા મારી કરપીણ હત્યા કરી હતી. ગણેશાજીના બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાઈ છે. હત્યાના પગલે દાંતીવાડા પોલીસ સ્ટેશનના ઈન.પી.એસ.આઇ સ્નેહિત દેસાઈ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પાંથાવાડા ખાતે પી.એમ અર્થે ખસેડી ડોગ સ્કવોડ તેમજ એફ.એસ.એલની મદદ લઈ અજાણ્યા હત્યારાને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.

નોંધનીય છે કે ગણેશાજી રબારીએ પોતાના ખેતરમાં ચોમાસું બાજરી વાવી હતી. જેનો પાક તૈયાર થયો હોઇ બાજરી વાઢવાનુ કામ ચાલુ હતું. આથી તે છેલ્લા બે દિવસથી રાત્રે ખેતરમાં સુવા માટે જતો હતો દરમિયાન બુધવારે રાત્રે અજાણ્યા શખ્સોએ તેના ઉપર હુમલો કરી કરપીણ હત્યા કરી હતી.આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જવા પામી છે.

Comments (0)
Add Comment