સુરત – કોરોનાના કપરાકાળ દરમિયાન માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના આશાનું એક નવું કિરણ બનીને ઉભરી છે, જેણે કેટલાય અનાથ બાળકોને તેમના સપના પૂરા કરવાનો એક અવસર આપ્યો છે. સુરત શહેરના ગોડાદરામાં રહેતા ૧૮ વર્ષીય નીતાબેન ખોડાભાઈ ઝીંઝાળા કોરોના કાળમાં નિરાધાર બનતા આ યોજના તેના માટે સંકટ સમયની સાંકળ બની છે. ૩ ભાઈ બહેનોમાં સૌથી મોટી નીતા ધો.૧૨માં અભ્યાસ કરે છે. માતા અને પિતાનું છત્ર ગુમાવનાર નીતાને જ્યારે આ યોજનાનો લાભ મળ્યો ત્યારે ભણી ગણીને પગભર થવાની તેમની આશા ફરી જીવંત થઇ, જે માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો અંતરથી આભાર માની સરકાર આ જ પ્રકારે ગરીબો-વંચિતો માટે સતત કાર્ય કરતી રહે તેવા આશિષ પણ તેણે આપ્યા હતાં. સરકારની મદદથી શિક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા સાથોસાથ ૧૮ વર્ષ સુધી મળતા આરોગ્ય કવચ માટે પણ તેણે સરકારનો આભાર વ્યક્ત કરી હવે ઉચ્ચ શિક્ષા માટે આ સહાયનો ઉપયોગ કરી પગભર બનીશ એવી ઈચ્છા વ્યકત કરી હતી…