થરાદ એ.પી.એમ.સી. ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના વિકાસ કામો તેમજ રાજ્ય-કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની પ્રગતિ કામગીરીની સમીક્ષા માટે જિલ્લા અધિકારીઓ- પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ શુક્રવાર, તા.૨૦મી મે એ થરાદ એ.પી.એમ.સી. ખાતે વહિવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ તંત્રના અધિકારીઓને નાના-મોટા પ્રજાલક્ષી પ્રશ્નો અંગે પૃચ્છા કરી તેના ઝડપી નિરાકરણ માટે સુચના આપી હતી.
સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રજાકીય પ્રશ્નોના ઝડપી નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે મુખ્યમંત્રીશ્રી સમક્ષ બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારની વિવિધ ફેલગશીપ યોજનાઓના અમલીકરણ અને પ્રાપ્ત થયેલ લક્ષ્યાંકોની વિગતો આપી હતી અને જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી હતી.
આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, રેન્જ આઇ.જી.શ્રી જે.આર. મોથલીયા, પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, પ્રભારીમંત્રીશ્રી ગજેન્દ્ર સિંહ પરમાર, પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, સહિત પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.