પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના દર્દીઓ માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે થયેલ કામગીરીની સમીક્ષા તથા આગામી આયોજન અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિ ધ્યાને લઇ કલેકટરશ્રીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણ અટકાવવા એન્ટીજન અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ વધારીએ તથા જે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારમાં બેરીકેટીંગ અને સાઇનીંગ બોર્ડ લગાવી પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે તથા હાઉસ ટુ હાઉસ હેલ્થ સર્વેલન્સ કરવા તેમજ જરૂરિયાત મુજબ ધન્વંતરી રથના રૂટ ગોઠવવા જણાવ્યું હતુ. આ બેઠકમાં આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યા મુજબ હાલ બનાસકાંઠા જિલ્લામાં ૮૦૪ કોરોના કેસ એક્ટિવ કેસ છે. જેમાં ૪૬૦ કેસ શહેરી વિસ્તારમાં અને ૩૪૪ કેસ ગ્રામ્ય વિસ્તારમાં છે. કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના દર્દીઓ માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બનાસ મેડીકલ કોલેજ- મોરીયા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે RTPCR ટેસ્ટ માટેની લેબ કાર્યરત છે. જેમાંથી રિપોર્ટ ઝડપથી મળે તે માટે ૩ શીફ્ટમાં સ્ટાફ કામ કરે છે. થરાદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે RTPCR ટેસ્ટ માટેની લેબ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ડીસા અને યાત્રાધામ અંબાજી ખાતે પણ RTPCR ટેસ્ટ માટેની લેબ શરૂ કરવાનું આયોજન છે. ૨.૭ લાખ એન્ટીજન કીટનો જથ્થો ઉપલબ્ધ છે.
જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ માટે ૭૫૦ જેટલી ટીમો કામ કરી રહી છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ધન્વંતરી આરોગ્ય રથ લોકોના ઘેર ઘેર જઇ સારવાર પુરી પાડે છે. કોરોના સંક્રમિત દર્દીઓએ સારવાર માટે આમથી તેમ ભટકવું ન પડે અને તેમને પોતાના ગામમાં જ નજીકની સરકારી હોસ્પીટલ અને બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સીવીલ હોસ્પીટલ, પાલનપુરમાં સારવાર માટે ૨૬૯૬ ઓક્શિજન બેડ સહિત કુલ- ૪,૨૪૪ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, આર.સી.એચ.ઓ. ર્ડા. જીગ્નેશ હરીયાણી સહિત જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Comments (0)
Add Comment