પંચમહાલ જિલ્લા કક્ષાનો રોલપ્લે અને લોકનૃત્ય સ્પર્ધા કાર્યક્રમ તેલંગ હાઈસ્કુલ ખાતે સંપન્ન…

બાળકોની સુષુપ્ત શક્તિઓ આ રીતે બહાર આવશે તો આજ પેઢીમાંથી ભવિષ્યમાં સારા કલાકારો મળશે : ડૉ વી એમ પટેલ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી તૈલંગ વાણિજ્ય વિધાલય ખાતે તાજેતરમાં જી.સી.ઈ.આર.ટી.
ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ગોધરા દ્વારા જિલ્લાકક્ષાનો રોલ પ્લે તથા લોક નૃત્ય સ્પર્ધા કાર્યક્રમ ભારે દબદબાભેર ઉજવાયો.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વી.એમ.પટેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય હિતેશ દવે અને સી લેક્ચરર ઉમેશ ચૌહાણ જેવા મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. દરમ્યાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વી એમ પટેલે બાળકોની સુષુપ્ત શક્તિઓ આ રીતે બહાર આવશે તો આજ પેઢીમાંથી ભવિષ્યમાં સારા કલાકારો મળશે તેમ જણાવી કેટલાક ઉદાહરણો આપી કલાકાર બાળકોને કાર્યક્રમ વિશે ખૂબ જ સુંદર માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના પ્રાચાર્યશ્રી ડૉ હિતેશ દવેએ પોતાના પ્રવચનમાં બાળકોને આવી સ્પર્ધાઓ દ્વારા પોતાની શક્તિઓને બહાર લાવવાની વાત જણાવી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે રાયસીંગપુરા પ્રાથમિક શાળા તાલુકો ગોધરાના શિક્ષક શ્રી મહેન્દ્રકુમાર ડી પરમાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર અંબાલી શ્રી કૌશિકભાઈ ડી પટેલ લુણાવાડાના શ્રી રામજીભાઈ વણકર તથા મિતેશભાઈ શુકલ વગેરે રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધામાં સુંદર કામગીરી બજાવી હતી. સરકારી માધ્યમિક શાળાઓ, કે.જી.બી.વી શાળાઓ અને મોડેલ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે તેમની સુષુપ્ત શક્તિઓ અને તેમની કલા શક્તિઓને બહાર લાવવાના ઉમદા હેતુથી પ્રતિવર્ષ આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે જિલ્લા કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં જે લોકોએ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે તે તમામને ડાયટ અને મહાનુભાવો દ્વારા રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સ્પર્ધામાં એક થી ત્રણ નંબરે આવેલ કલાકારને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે રોકડ પુરસ્કાર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષકો અને બાળકો કોવિડની ગાઈડલાઈન મુજબ હાજર રહ્યા હતા.

Comments (0)
Add Comment