1.20 લાખની ઉઘરાણી માટે ઉપાડી જવાની ધમકી આપતા થરાદના દંપતીએ આપઘાત કર્યાનું ખૂલ્યું

થરાદના ગોકુળગામના પાટિયા નજીક પોતાના ખેતરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેનાર દંપતિના ચકચારી બનાવમાં બે શખ્સો ઉછીના રૂપિયા માટે ઉપાડી જવાની ધમકી આપતા હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવની મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે થરાદ પોલીસે બે સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદના ગોકુળગામના પાટિયા પાસે ખેતરમાં ખેજડાના વૃક્ષની ડાળીએ સાડીથી બુધવારે દંપતી ઠાકરશીભાઈ અમરતભાઈ ઠાકોર (ઉં.વ.25) તથા પત્ની હીનાબેન ઠાકરશીભાઈ ઠાકોર (ઉં.વ.20) (રહે.શિવનગર,તા.થરાદ)એ ટૂંપો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની થરાદ પોલીસે અકસ્માત મોત રજિસ્ટરે નોંધ બાદ મૃતકના પાસેથી મળી આવેલી ચિઠ્ઠીના આધારે વધુ તપાસ હાથ મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવે હાથ ધરી હતી. આ બનાવ અંગે શુક્રવારે મૃતક હિનાબેનના પિતાએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગત 28 સપ્ટેમ્બરના રોજ બપોરના તેમના ઘરે આવેલ પુત્રીના અને તેના પતિ ઠાકરશીભાઈ રાત રોકાયા હતા. આ વખતે ઠાકરશીભાઈએ પોતે થરાદમાં આવેલી આનંદ પાઉંભાજીમાં નોકરી કરતો હતો. તેના શેઠ હાર્દિકભાઈ રામજીભાઈ બ્રાહ્મણ (રહે.ભાટવર,તા.વાવ) પાસેથી લગ્નનો ખર્ચો આવવાનો હોવાથી રૂ.50,000 અને ત્યારબાદ 70,000 મળીને 1,20,000નો ઉપાડ કર્યો હતો.

લગ્ન બાદ નોકરી કરવા ન જતાં આ પૈસાની હાર્દિકભાઈ તથા મોહનભાઈ નાનજીભાઈ બ્રાહ્મણ (રહે.ખોરડા) બંને જણ અવારનવાર ઉઘરાણી કરવા આવે છે. અને બંને જણ 10 ટકા વ્યાજ ગણાશે તથા જો પૈસા નહીં આપે તો તેને ઉપાડી જશે તેવી ધમકીઓ આપતા હોવાની વાત કરી હતી. યુવકના પિતા અમરતભાઇએ પણ બંન્ને જણ તેમના ઘેર આવીને પૈસાની ઉઘરાણી કરતા હોવાની વાત કરી હતી. આમ બંન્નેની ઉઘરાણી અને ધમકીના કારણે બંને પતિ-પત્ની શારીરિક માનસિક રીતે કંટાળી જતાં તેઓને મરવા માટે મજબુર કરતાં ગળે ફાંસો ખાધો હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકમાં નોંધાવી હતી. જેના આધારે થરાદ પોલીસે હાર્દિકભાઈ તથા મોહનભાઈ સામે IPC કલમ 306 , 114 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Comments (0)
Add Comment