આઈસ્ક્રીમના પૈસા ચૂકવ્યા વિના દુકાનમાં તોડફોડ કરવા બદલ ત્રણ મહિનાની જેલ

પાલનપુરમાં ચાર વર્ષ અગાઉ આઇસ્ક્રીમ પેક કરાવ્યા પછી તેના નાણાં ચુકવવાના મુદ્દે દુકાનદાર ઉપર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરનારા આરોપીને પાલનપુરની ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશે ત્રણ માસની સાદી કેદની સજા અને રૂપિયા 20,000ના દંડનો હુકમ કર્યો હતો. પાલનપુરમાં 16 ઓગસ્ટ 2016ની રાત્રે 8.45 કલાકે કોમલભાઇ અગ્રવાલ તેમની મીરા આઇસક્રીમની દુકાનમાં બેઠા હતા. ત્યારે ગ્રાહક જીતુભાઇ જીવણભાઇ નાયી અને ગુલાબગીરી નવીનગીરી ગૌસ્વામી દુકાને આવી જીતુભાઇએ પાંચ આઇસ્ક્રીમ પેક કરાવી હતી. જેના રૂ.150 માંગતા જીતુભાઇએ ગુલાબગીરી પાસેથી લેવાનું કહ્યુ હતુ. આથી કોમલભાઇએ આઇસ્ક્રીમ તમે ખરીદી છે.

પૈસા તમે જ આપો તેમ કહેતા જીતુભાઇ ઉશ્કેરાઇ ગયા હતા. અપશબ્દો બોલી આઇસ્ક્રીમની થેલી કોમલભાઇના મોઢા ઉપર મારી હતી. જડબાના ભાગે ફેંટો મારી હતી. તેમજ પ્લાસ્ટીકની ખુરશીઓની તોડફોડ પણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પશ્વિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ પાલનપુરની ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ નરેન્દ્ર કડોલીયાએ સરકારી વકીલ કલ્પેશકુમાર સી. રાવલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી જીતુભાઇ નાયીને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 248 (2) અનવ્યે ભારતીય દંડ સંહિતાની કલમ 325 મુજબના ગુનામાં ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.ન્યાયાધીશે આરોપીને રૂ.10,000નો દંડ, કલમ 504ના ગૂનામાં રૂ.5000નો દંડ, કલમ 506 (2)માં રૂ.5000નો દંડ મળી કુલ રૂ.20,000નો દંડ કરી અપીલ પરિયડ બાદ ક્રિમીનલ પોસીજર કોડની કલમ 397 હેઠળ આ રકમ દુકાનદાર કોમલભાઇ અગ્રવાલને ચૂકવવા હૂકમ કર્યો હતો.

Comments (0)
Add Comment