કોરોનામાં અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા 18 વિદ્યાર્થીઓને ફી ચૂકવવામાં આવી

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, હિંમતનગર અને અરવલ્લી જીલ્લામાં આવેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોરોનાકાળ દરમિયાન આર્થિક પરિસ્થિતિના કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા છાત્રોની ફી ભરી તેમનું ગ્રેજ્યુએશન પુરૂ કરાવવા માટે યુનિવર્સિટીના સેન્ડીકેટ સભ્યએ બીડું ઝડપ્યું છે. જેમણે અત્યાર સુધીમાં આવા 18 છાત્રોની ફી ભરી છે. અને હજુ આવા છાત્રોની શોધખોળ ચાલુ છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સિન્ડીકેટ સભ્ય અને બનાસકાંઠા સદ્દભાવના ગૃપના ચેરમેન હરેશભાઇ ચૌધરી દ્વારા કોરોના કાળમાં આર્થિક પરિસ્થિતિના કારણે અધવચ્ચે કોલેજનો અભ્યાસ છોડી દેનારા છાત્રોની ફી ભરી કોલેજ પુરી કરાવવાનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અંગે તેમણે જણાવ્યું કે, આવા વિદ્યાર્થીના ઘરે જઈ તેમના માતા-પિતાને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યૂ છે. જેમાં વિધાર્થીઓની બાકી ફી સદ્દભાવના ગૃપ દ્વારા ભરવામાં આવી રહી છે. આ અભિયામાં કોલેજના સંચાલક મંડળ તેમજ કોલેજના આચાર્ય દ્વારા પણ ફી માં થોડી રાહત આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આવા 18 છાત્રોનો પુન: અભ્યાસ શરૂ કરાવવામાં આવ્યો છે.

કિસ્સો 1: રિક્ષા ચાલકની દીકરીની ફી ભરતાં પુન: અભ્યાસ શરૂ થયો
પાલનપુર મહિલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી પાલનપુર વગદા ગામની વિદ્યાર્થિની શીતલબેન વાલ્મીકીના પિતા કાનજીભાઈ રિક્ષા ચલાવે છે. અને કોઈ કારણસર સરકારની શિષ્યવૃતિનો લાભ લેવામાં તેમનાથી ચૂક થયેલી અને વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિમાં તેમનાથી તેમની દીકરી શીતલની કોલેજની ફી ભરી શકાય એવી કોઈ જ વ્યવસ્થા હતી નહીં જેના કારણે તેમને તેમની દીકરીનો અભ્યાસ અધવચ્ચે સ્થગિત કરાવેલો હતો. જેની જાણ થતાં તેના ગ્રેજ્યુએશનની સંપૂર્ણ વ્યવસ્થા કરી તેનો ચેક કોલેજના આચાર્ય મનીષાબેન પટેલને આપ્યો હતો.

કિસ્સો 2: પૈસા વિના દીકરીનો અભ્યાસ છોડાવ્યો
કાંકરેજ તાલુકાના જમણા પાદર ગામે રહેતા મશરૂભાઇ રાવળ છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે, કોરોના કાળમાં આર્થિક કારણોસર તેમની દીકરી અસ્મિતાબેનને કોલેજનો અભ્યાસ અધવચ્ચેથી છોડાવ્યો હતો. જેના ઘરે જઇ મશરૂભાઇને સમજાવી દીકરીને પુન: કોલેજનો અભ્યાસ શરૂ કરાવવામાં આવ્યો છે.

Comments (0)
Add Comment