પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા એક પરિવારની બે સંતાનોની માતા ચાર માસ અગાઉ ગુમ થઇ હતી. ફરિયાદ આપેલ હોવા છતાં આજદિન સુધી પોલીસ આ મહિલાને શોધી ન શકતા હાલમાં તેના બન્ને બાળકો ચોંધાર આંસુએ રડી રહ્યા છે. માલણ ગામે રહેતા રહેતા ઈલેશભાઈ ગલબાભાઈ ઠાકોરની પત્ની ચાર માસ અગાઉ તા.12-05-2021 ના રોજ ગુમ થઈ હતી.
આ અંગે તાલુકા પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ પણ તે જ સમયે આપવામાં આવી હતી. જેને ચાર માસ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં પોલીસ શોધી ન શકી હોવાના આક્ષેપ આ પરીવારે કર્યા છે. 5 વર્ષનો પુત્ર અને 7 વર્ષની દીકરી માતા વિના ચોંધાર આંસુએ રડી રહ્યા છે.આ બન્ને બાળકોના દાદા અને દાદીની આંખમાંથી પણ દડદડ આંસુડાની અશ્રુધારા વહી રહી છે.