પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા રાજસ્થાનના મંડાર નજીક રામચંદ્રજી ગામમાં શિવનાથ મહારાજની જગ્યા પર ભક્તિમાં લીન થયેલા 65 વર્ષના કેવદારામ છેલ્લા નવ વર્ષથી અનોખી ભક્તિ કરી રહ્યા છે. વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં આવતા ગરમીના ત્રણ માસ દરમિયાન બપોરનાં 12 કલાકથી 1-15 મિનિટ સુધી ગરમ રેતમાં શરીર પર એક પણ કપડાં વગર સૂર્ય દેવની તરફ નજર રાખી રામાપીરની માળા ફેરવે છે. ગુરુવારે કેવદારામ ધાનેરા તાલુકાના શિયા ગામમાં પોતાના સગાના ત્યાં આવ્યા હતા. જો કે બપોરનો સમય થતાં પોતાના કાયમી નિયમ મુજબ તેઓ શિયાથી એડાલ ગામ વચ્ચે ચાલતા સૂકા ભટ્ટ વહેણની અત્યંત ગરમ રેતમાં સુઈ ગયા હતા અને હાથમાં માળા લઈ ભક્તિ કરતા આસપાસના લોકો પણ આવી ભક્તિ નિહાળવા મોટી સંખ્યામાં નદીની રેતમાં ઉમટી પડ્યા હતા. રામાપીરની ભક્તિમાં ડૂબેલા ભક્તની અનોખી ભક્તિથી સૌ કોઈ ચકિત બની ગયા હતા.