બૌદ્ધિક ભારત પાલનપુર
અમદાવાદના આંગણે યોજાયેલ કલમ કાર્નિવલ કાર્યક્રમમાં ડીસાના નવોદિત લેખકે પ્રથમવાર મંચ પર સ્થાન મેળવી નગરનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાતની વિખ્યાત પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિરનાં ‘પુસ્તક પર્વ ૨૦૨૧’ અંતર્ગત કર્મા ફાઉન્ડેશનનાં ગુજરાતી બૂક ક્લબે કલમના કાર્નિવલમાં ઑથર્સ કોર્નર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ગત સોમવારે સાંજે પાંચ વાગે અમદાવાદના નવરંગપુરા વિસ્તારના શ્રીમતી સુશીલાબેન રતિલાલ હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાતી બૂક ક્લબ દ્વારા ચાર નવોદિત ઓથર્સને મંચ પ્રદાન કરાયો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન રીમાબેન શાહ અને નિરાલી પટેલે કર્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઈશ્વરી ડોકટર, હેમિષા શાહ, ભૂમિકા વિરાણી અને આરજે રવિ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમના દરેક સેશન રસપ્રદ રહ્યાં હતા.
અત્યારના જમાનામાં પુસ્તક જ સાચું હથિયાર છે. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિઓએ પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભૂમિકાબેન વિરાણીના નવા પુસ્તકનું આ કાર્યક્રમમાં વિમોચન કરાયું હતું જ્યારે હેમિષાબેન શાહે ગઝલ રજૂ કરી તેમના પુસ્તકો વિશે માહિતી આપી હતી. જ્યારે ઈશ્વરીબેન ડોકટરે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત ડીસાના નવોદિત લેખક રવિ ગોસ્વામી ઉર્ફે આરજે રવિએ પોતાના આગામી પ્રથમ પુસ્તક ‘મારી જિંદગીની સફર’ પર પ્રકાશ પાડી દરેક મા બાપે સંતાનોના સપના પુરા કરવામાં મદદ કરે અને દીકરીઓને પણ પૂરતું મહત્વ આપે તેવી અપીલ કરી હતી. દીકરી ધારે તે કરી શકે છે.