ડીસામાંથી રૂ.7.96 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયેલા યુવકને બુધવારે ડીસા કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરાશે.આ કેસની તપાસ આગથળા પોલીસને સોપવામાં આવી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ વાય.એમ.મિશ્રા તેમજ તેમની પોલીસ ટીમ દ્વારા ડીસા શહેરની મોઢેશ્વરી સોસાયટી નજીકના હિંગળાજ બંગ્લોઝમાં રહેતાં શુભમ ઉર્ફે પાબલો ઇસ્કોન કનૈયાલાલ પટેલને રૂપિયા 7.96 લાખના મુદ્દામાલ સાથે ઝડપી તેની સામે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જો કે, ડીસા શહેર દક્ષિણ પોલીસની પ્રાથમિક તપાસ બાદ આ પ્રકરણ આગળની તપાસ આગથળા પોલીસને સોંપવામાં આવી છે. જેથી આગથળા પોલીસે તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. વધુ તપાસ માટે રીમાન્ડની જરૂર હોઇ બુધવારે ડીસા કોર્ટમાં રજૂ કરાશે તેમ આગથળા પીએસઆઇ અને તપાસ અધિકારી પી.એન.જાડેજાએ જણાવ્યું હતું.