પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
200 ખેડૂતો સવારથી ટ્રેકટરોની ટ્રોલીમાં રાયડાની બોરી ભરી લાઇનમાં લાગે છે
કાળઝાળ ગરમીમાં ખેડૂતો ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે ધાનેરામાં સામરવાડા ગામ નજીક ગોડાઉનમાં આવી રહ્યા છે. પરંતુ ત્યાં ઠંડા પાણી, કેન્ટિન તેમજ છાયડાની વ્યવસ્થા થાય તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે.
ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક આવેલ ગોડાઉનમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે બે કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. દિવસ દરમિયાન 200 જેટલા ખેડૂતો વહેલી સવારથી ટ્રેકટરોની ટ્રોલીમાં રાયડાની બોરી ભરી લાઇનમાં લાગી જાય છે. સવારે નંબર આવે એ તો ઠીક છે પણ બપોરનાં સમયે લાઇનમાં ઉભા રહી ટ્રેકટરોને આગળ કરવા ખેડૂતો માટે મુશ્કેલી વેઠી છે. કારણ કે આગ વરસાવતી ગરમીના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તો બીજી તરફ મજૂરો પણ તડકામાં રાયડાની બોરીનું વજન કરી રહ્યા છે. ત્યારે ખરીદ કેન્દ્ર પર છાયડાની વ્યવસ્થાની સાથે ઠંડા પાણી અને ખાણી પીણી ચીજવસ્તુઓ માટે કેન્ટિનની વ્યવસ્થા કરવામાં તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખરીદ કેન્દ્ર પર ખેડૂતો માટે પીવાના પાણી માટે ટેન્કર મૂકવામાં આવ્યું છે પરંતુ પાણી ગરમ થઈ જાય છે. તો બીજી તરફ ખેડૂતોનો નંબર આવે ત્યાં સુધી તેમને વૃક્ષ નીચે કે પછી પોતાના માલના રક્ષણ માટે ટ્રેક્ટરમાં બેસી રહેવું પડે છે.