પાલનપુર, ડીસા, ધાનેરા અને વડગામ સહિત ક્ષત્રિય સમાજના અનેક ગામોમાં રૂપાલાના વિરુદ્ધમાં ભાજપ પ્રવેશબંધીના બેનરો લાગ્યા હતા

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

પાલનપુર, ડીસા, ધાનેરા અને વડગામ સહિત ક્ષત્રિય સમાજના અનેક ગામોમાં રૂપાલાના વિરુદ્ધમાં ભાજપ પ્રવેશબંધીના બેનરો લાગ્યા હતા. પાલનપુરના આંત્રોલી, ડીસાના ઝાબડીયા તથા મૂડેઠા, ધાનેરાનાં જાડી અને વડગામના ચાંગા ગામમાં બેનરો લગાવી રૂપાલાને હટાવવા માંગ કરી હતી. પ્રચાર માટે ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી હતી.

ક્ષત્રિય સમાજ રૂપાલાની લોકસભા બેઠકની ટિકિટ રદ કરવા અડગ બની ગયો છે. રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા અને વડગામનાં ગામોમાં સર્વ સમાજ સહિત રાજપુત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવું ફરમાન કરી ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવી પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. ધાનેરા તાલુકાના જાડી ગામના લોકોએ ગામમાં ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે, જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવે ત્યાં સુધી ગામમાં કોઈપણ ભાજપના કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં. ડીસા તાલુકાના ઝાબડીયા અને મુડેઠા ગામે ક્ષત્રિય સમાજના યુવાનોએ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો. અને રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે ઝાબડીયા ગામના ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. પાલનપુર તાલુકાના આંત્રોલી ગામના લોકોએ જણાવ્યું હતું કે, જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે લોકસભામાં ભાજપ વિરુદ્ધ મતદાન કરી રૂપાલાની અભદ્ર ટિપ્પણીનો બદલો લઈશું. ગામના 36 કોમના લોકોએ સમર્થન આપ્યું હતું. વડગામના ચાંગા ગામે પાટણ લોકસભાનાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગામના રાજપૂત સમાજના યુવાનોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના લોકો ગામમાં કાર્યક્રમ નહીં કરી શકો. જેથી કાર્યક્રમનું સ્થળ બદલાવવું પડ્યું હતું.

Comments (0)
Add Comment