લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં બનાસકાંઠા જિલ્લામાં મતદાન વધુમાં વધુ થાય એ હેતુથી જિલ્લા ચુંટણી અધિકારી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વિનુભાઇ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ દરરોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરી મતદારોને 100% મતદાન કરવા માટે સંદેશ આપવામાં આવે છે.
જે અંતર્ગત ધાનેરા તાલુકાની સ્વીપ ટીમ દ્વારા સી.આર.સી.કો.ઓ. વશરામભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ તથા ત્રિકમભાઈ પાન્ડે દ્વારા અનોખી રીતે મતદાન જાગૃતિ અંગે પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ધર પર રંગકામ કરીને મતદાન જાગૃતિ અંગેના સૂત્રો લખવામાં આવ્યા હતા. આ પાણીના કુંડા અને ચકલી ઘર જ્યાં ગત ચુંટણીમાં સ્ત્રી મતદાન 10%થી ઓછું થયું હોય એવા 20 બુથ પર અને ખાસ કરીને ધાનેરા નગર વિસ્તારમાં વિવિધ સોસાયટીઓમાં વિતરણ કરવામાં આવ્યા હતા અને મતદાન જાગૃતિ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. યુવા મતદારો, સ્ત્રી મતદારો અને વયસ્ક મતદારોને પક્ષી પ્રેમ સાથે અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.