ધાનેરા પંથકમાં ટેકાના ભાવથી રાયડાની ખરીદી શરૂ, 28 ખેડૂતોનો 62 હજારનો રાયડો ખરીદાયો

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા સોમવારથી રાયડાની ખરીદી શરૂ કરાઇ છે. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ નજીક આવેલ ગોડાઉનમાં ધાનેરા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હરદાસભાઈ પટેલ સાથે ખેડૂતો અને મજૂરોએ વિધિવત રીતે વજન કાંટાનું પૂજન કરી ખરીદીના શ્રીગણેશ કર્યા છે. જેમાં પ્રથમ દિવસે જ 28 ખેડૂતોનો 62 હજાર રાયડો ખરીદાયો છે.
ધાનેરા તાલુકામાં ફ્રેબ્રુઆરી માસ દરમિયાન ટેકાના ભાવે રાયડાના વેચાણ બાબતે કુલ 10461 ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેને લઇ સોમવારથી ખરીદી શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષ દરમિયાન ટેકાના ભાવ 1130 નક્કી કરવામાં આવ્યા છે. જો કે રાયડાની ખરીદીની મર્યાદા 2400 કિલો ગ્રામ રાખવામાં આવી છે. ચાલુ વર્ષ દરમિયાન રાયડાના બજાર ભાવ રૂપિયા 1000 કરતાં પણ નીચા છે. જો કે સરકાર દ્વારા રાયડાના ટેકાના ભાવ રૂપિયા 1130 જાહેર કરવામાં આવતાં ખેડૂતોને પોતાની મહેનત પ્રમાણેના ભાવ મળી રહ્યા છે.

ચાલુ વર્ષે રાયડાના પાકને લઈ નુકશાનકારક પણ રહ્યું છે. જેમાં કમોસમી વરસાદ અને રાયડાના પાકમાં પડેલ જીવાતના કારણે ઉત્પાદન ઘટ્યું છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘પ્રથમ દિવસે 28 ખેડૂતોની 62250 કિલો રાયડાની ખરીદી કરાઇ છે. આમ તો સરકારી નિયમો અનુસાર ટેકાના ભાવે રાયડાની ખરીદી 90 દિવસ સુધી ચાલતી હોય છે.

Comments (0)
Add Comment