જીપીસીબી અને નોટીફાઈડ વિભાગ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ જતાં પર્યાવરણનું નિકંદન કાઢ્યાનો પર્યાવરણવાદીઓનો આક્ષેપ
આમલાખાડીમાં રાસાયણિક પાણી છોડવાનું છેલ્લા એક સપ્તાહથી યથાવત ચાલી રહ્યું છે. જીપીસીબી અને નોટીફાઈડ વિભાગ બંને નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જતાં પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યાનો આક્ષેપ સ્થાનિક પર્યાવરણ પ્રેમીએ કર્યો છે. પીરામણ ફાઇનલ પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ પાણી પમ્પીંગ કરવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. કેમિકલ યુક્ત પાણી છોડતા તત્વો પકડવામાં જીપીસીબી નિષ્ફળ રહી હોવાનો પણ શૂર વ્યક્ત કર્યો છે. વાલિયા ચોકડી પાસે આવેલા ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાસેથી અને તેની પાછળથી એફ્લુઅન્ટ ખાડીમાં જતું હતું. નોટિફાઇડના હદ-વિસ્તારમાંથી વરસાદી પાણી સાથે પીળા કલરનું પ્રદુષિત પાણી અહીં આવી રહ્યું છે.
જે ભેગું થઈને આમલાખાડી ખાડીમાં જાય છે. પ્રકૃતિ સુરક્ષા મંડળે જીપીસીબી અને નોટિફાઇડ વિભાગને જે તે વખતે ફરિયાદ કરી હતી. જીપીસીબીએ સાંજે માત્ર સેમ્પલો લઈ સંતોષ માન્યો હતો. 6 દિવસ બાદ પણ પ્રદુષિત પાણી તે જ સ્થિતિમાં વહી રહ્યું હતું. આ મુદ્દે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે, અઠવાડિયા બાદ પણ ફાઇનલ પમ્પીંગ સ્ટેશન પાસેથી પ્રદુષિત પાણી વહે છે. કેટલાક ઉદ્યોગકારો માનવ સ્વાસ્થય કે પર્યાવરણની ચિંતા કરતા જ નથી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની આસપાસ વરસાદી ખાડીમાં વહે છે.
નોટીફાઈડ વિભાગને નોટિસ ઓફ ડાયરેક્શન અપાયું
જીપીસીબી દ્વારા આમલાખાડીમાં સતત્ત વહી રહેલા પ્રદુષિત પાણીને લઇને રોજે રોજ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. તેમજ પમ્પીંગ સ્ટેશનને લઇ પ્રદુષિત પાણી આમલાખાડી જતાં અટકાવવામાં નોટીફાઈડ વિભાગની જવાબદારી હોવા છતાં હજુ ના અટકતા જીપીસીબી વડી કચેરીએ નોટિસ ઓફ ડાયરેક્શન ફટકારી 10 લાખની બેંક ગેરંટી જમા કરવાના દિશા નિર્દેશ જારી કર્યા છે.
ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં પ્રદુષિત પાણી અટકતું જ નથી
અંકલેશ્વર તાલુકા 10થી વધુ ગામના ખેડૂતો આમલાખાડીના પાણી પર નભે છે. કેમિકલ યુક્ત પાણીને લઇ ખેતીને નુકસાન થઇ રહ્યું છે. અગાઉ પાક બળી ગયો હતો. જમીન પણ બગડી હતી. જે અંગે ખેડૂતો ફરિયાદ મળી રહી છે. આ બાબતે સંબંધિત વિભાગ તેમજ સરકાર માં ધ્યાન દોરવામાં આવશે. – ભરત પટેલ, ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત,ભરૂચ.
પાકને નુકસાન થઇ રહ્યું છે જવાબદાર કોણ?
આમલાખાડી માંથી અમારા વડીલો ના સમય થી સિંચાઈ કરતા આવ્યા છે. અગાવ પણ આ પાણી થી પાક ને પાણી આપતા ઉભો પાક બળી ગયો હતો અને જમીન પણ બગડી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં ઉદ્યોગકારો ની નફ્ફટાઇ જોવા મળી રહી છે. સજોદ તેમજ આજુબાજુ ના ગામો ખેડૂતો દ્વારા આગામી દિવસ માં જે કેમિકલ યુક્ત પાણી આમલાખાડી માં આવતું નહીં અટકે તો હલ્લાબોલ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. – કનુભાઈ પટેલ, ખેડૂત, સજોદ .