ધાનેરાના જીવાણા ગામમાં તુલસી વિવાહમાં 21.51 લાખનું મામેરુ ભર્યું

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના જીવાણા ગામે શનિવારે તુલસી વિવાહ મહોત્સવમાં તુલસી વિવાહ યોજવામાં આવ્યા હતા. જેમાં માલોત્રા ગામેથી જાન આવી હતી અને થાવર ગામેથી મામેરુ આવતા થાવર ગામના લોકો દ્વારા એકવીસ લાખ એકાવન હજારનું મામેરુ ભરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ધાનેરા તાલુકામાંથી તેમજ આજુમાજુના તાલુકામાંથીજીવાણા ગામે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડી તમામે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

ધાનેરાના જીવાણામાં જીવાણા મઠના મઠાધીશ પ.પૂ. મહંતશ્રી 1008 રતનગીરીજી ગુરુ ધનગીરીજી મહારાજના સાનિધ્યમાં તુલસી વિવાહ મહોત્સવની શુક્રવારથી શરૂઆત કરવામાં આવી હતી. જેને લઇને શનિવારે તુલસી વિવાહ રાખવામાં આવ્યો હતો.જેમાં માલોત્રા ગામેથી જાન જીવાણા ગામે આવી હતી અને હજારો લોકોની વચ્ચે તુલસી વિવાહ કરવામાં આવ્યા હતા. આ તુલસી વિવાહમાં થાવર ગામના ચૌધરી સમાજના લોકો દ્વારા મામેરું લાવ્યા હતા અને 21.51 લાખનું મામેરું ભરવામાં આવ્યું હતું. આ તુલસી વિવાહ મહોત્સવમાં ધાનેરા તાલુકા ઉપરાંત ડીસા, દાંતીવાડા, થરાદ, લાખણી તેમજ રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા જાણે જીવાણા ગામની જગ્યા પણ નાની પડતી હોય તેવું જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં બહેનોએ તુલસી વિવાહમાં લગ્ન ગીતોની પણ રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ દિવસનું ભોજન હડતા ગામના સ્વ.હલુબેન ઉકાભાઇ ઓડ પરિવાર તથા બીજા દિવસે ભોજન માલોત્રા ગામના સ્વ.દોલાભાઇ ઉકાભાઇ વાધડાના પરીવાર દ્વારા આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વડગામ મઠના પ.પૂ. 1008 શ્રી લહેરભારતીજી મહારાજ, નેનાવા મઠના પ.પૂ.1008 શ્રી શિવપુરીજી મહારાજ સહિત અનેક સંત મહાત્માઓ હાજરરહ્યા હતા અને લોકોને આર્શિવાદ આપ્યા હતા. આર્શિવાદ આપતા શ્રી લહેરભારતીજી મહારાજએ જણાવ્યું હતું કે જીવાણા ગામની ધન્યધરા ઉપર આટલો મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા મંડપ પણ નાનો પડી રહ્યો છે તે અહી જીવાણા મઠના મહંતશ્રી રતનગીરીજી મહારાજ પ્રત્યે લોકોનો પ્રેમ જોવા મળી રહ્યો છે. આવનાર તમામ લોકોને જણાવ્યું હતું કે આ તુલસી વિવાહના પ્રસંગે એક નિયમ લેતા જાજો કે ક્યારેય વ્યસન કરીશ નહી અને પોતાના પરિવારને વ્યસનથી દૂર રાખીશ આટલો સંકલ્ય આજે ખાસ કરવા માટે આહ્વાન કર્યું હતું

Comments (0)
Add Comment