રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાના સરાલ ગામના આધેડ વિકલાંગ હોવા છતાં અડગ મન રાખી ઘોડીના સહારે ગિરનાર ચડવામાં સફળતા મેળવી હતી. ધાનેરા તાલુકાના સરાલ ગામે રહેતા ઈશ્વરભાઈ ચૌધરી 51 વર્ષના છે. જેઓ પગથી વિકલાંગ છે અને આજે સરાલ દૂધ મંડળીના મંત્રી તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. ઈશ્વરભાઈના જીવન દર્શનની વાત કરવામાં આવે તો બે વર્ષ 1981 માં પોતાના ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 4 સુધી અભ્યાસ મેળવી આગળના અભ્યાસ માટે ધાનેરાની તાલુકા શાળાની પસંદગી કરી હતી. ધાનેરા તાલુકા શાળામાં 5 થી 7 અને 8 થી 12 સુધીનો અભ્યાસ ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલય અને ત્યાર બાદ પાલનપુરમાં તેઓએ કોલેજ કરી છે. આમ ઈશ્વરભાઈએ ઘોડીના સહારે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ખેતરથી ધાનેરા સુધી આઠ કિલોમીટર લાકડાની ઘોડીના સહારે ચાલી ધાનેરા પહોંચી બસ મારફતે તેઓએ પાલનપુરથી કોલેજનો અભ્યાસ પૂરો કર્યો છે. આ ઉપરાંત ઇશ્વરભાઈએ ઘોડીના સહારે જુનાગઢનો ગરવો ગિરનાર ચડી યાત્રા પૂરી કરી હતી જે હકીકત યાદગાર બની ગઈ છે.આ સિદ્ધિને લોકોએ બિરદાવી હતી.