ધાનેરામાં ગંજરોડ ઉપર દબાણોથી ટ્રાફિક

પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરામાં ગંજરોડ ઉપર દબાણોથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે.જ્યારે નગરપાલિકા દ્વારા જુના બસ સ્ટેન્ડથી નેનાવા રોડના દબાણો હટાવવા માટે દુકાનદારોને અલ્ટીમેટમ આપતા દબાણદારોએ દબાણો ના તોડવા આજીજી કરતાં માત્ર તેમના દુકાન આગળના ઓટલા અને છાપરા હટાવવા સૂચના આપતા પોતાની જાતે હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ બીજા દબાણો બાબતે નોટિસ આપવામાં આવી હોવા છતાં ન હટાવતા સવાલો ઉભા થયા છે.

ધાનેરા શહેરમાં મોટા પ્રમાણમાં દબાણોનો રાફડો ફાટ્યો છે. જુના બસ સ્ટેન્ડથી નેનાવા રોડ, ગંજબજાર રોડ, ડીસા રોડ તથા જુની સ્ટેટ બેંક રોડ ઉપર મોટા પ્રમાણમાં દબાણો હોવાથી રસ્તાઓ સાંકડાઇ ગયા છે. તે સિવાય કારગીલ ત્રણ રસ્તાથી રેલ નદીના પુલ સુધીમાં હાઇવે ઉપર પણ દબાણો મોટા પ્રમાણમાં છે. આવા દબાણો હટાવવા માટે પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને તમામને નોટિસો પણ આપવામાં આવી હતી અને પ્રથમ શરૂઆત જુના બસ સ્ટેન્ડથી નેનાવા રોડની કરવામાં આવી હતી.

આ રોડ ઉપર તમામ દબાણો ગરીબોના હતા અને તે દબાણો ના તૂટે તે માટે દુકાનદારોએ મામલતદારને રજૂઆત કરતાં તેમના છાપરાઓ અને ઓટલાઓ ઉતારી દેવા સુચના આપતા આ દબાણદારોએ જાતે ઉતારી લીધા હતા. પરંતુ ગંજરોડ ઉપર મોટામોટા દુકાનદારોએ દુકાનો આગળ પતરાના શેડ બનાવી 15-15 ફૂટની દુકાનો બનાવી આગળ 7 ફૂટમાં પોતાનો માલ બહાર મુકતા હોવાથી રસ્તો સાંકડાઇ જવા છતાં પાલિકા દ્વારા આવા લોકોના દબાણો હટાવવામાં ઉદાસિનતા રાખતા નેનાવા રોડના દબાણદારો પાલિકાના અધિકારી સામે આક્ષેપો કરી રહ્યા છે. આ અંગે કરસનભાઇએ જણાવ્યું હતું કે ગંજ રોડના દબાણો અમારા કરતાં મોટા મોટા હોવા છતાં તેમને નોટિસ આપવા છતાં હટાવવામાં આવ્યા નથી.

Comments (0)
Add Comment