જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાંથી પસાર થતા યુવક પર તેના પિતરાઈ ભાઈ સહિત ચાર લોકોએ કર્યો હુમલો

મિલકતના ભાગના પ્રશ્નો ચાલી રહેલા ઝઘડા પછી હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યાની પોલીસ ફરિયાદ

જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાંથી પસાર થઇ રહેલા એક યુવાન પર મિલકતના ભાગના પ્રશ્ને તેના પિતરાઈ ભાઈ અને તેના મળતીયા સહિત ચાર શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી હાથ-પગમાં ફ્રેકચર કરી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 11માં રહેતા સાગર કિશોરભાઈ સોમૈયા નામના 23 વર્ષના યુવાને પોતાના ઉપર ધોકા પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખવા અંગે પોતાના જ પિતરાઈ ભાઈ કલ્પેશ ભગવાનજીભાઈ સોમૈયા ઉપરાંત વિશાલ જયેશભાઈ શાહ, વિકી ઉર્ફે ભૂરો ગોપાલભાઈ કાપડી, અને કાનજીભાઈ માતંગ વગેરે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાનને હાથ-પગમાં ફેકચર થઈ ગયા હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

ફરિયાદી સાગર સોમૈયા અને તેના પિતરાઈ ભાઈ કલ્પેશ સોમૈયા વચ્ચે મિલકતના ભાગના પ્રશ્ને ડખો ચાલી રહ્યો છે, અને જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલો વૈજનાથ અનાજ ભંડાર નામનો સસ્તા અનાજનો વોર્ડ કે જે મિલકતના ભાગના પ્રશ્ન બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેના ભાગના પ્રશ્નને લઇને તકરાર થયા પછી આ હુમલો કરાયાનું જાહેર થયું છે. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Comments (0)
Add Comment