પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા મામલતદાર દ્વારા મંગળવારની મોડી સાંજે રેતી ભરીને આવતી અને રાજસ્થાન જતી ગાડીઓની તપાસની ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે રાજસ્થાનથી ઓવરલોડ કપચી ભરીને આવતા બે ડમ્પરો ઝડપાઇ જતાં તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા નદીમાંથી બનાસનદીની રેતી ભરીને રોજની 200 કરતા પણ વધારે ટ્રકો રાજસ્થાન જાય છે. અને તેમાં સવારે રોયલ્ટી લેતા હોય તે બે થી ત્રણ ફેરાઓ કરતા હોય છે અને ઓવરલોડ ગાડીઓ પણ ચલાવતા હોવાની બાતમી ધાનેરા મામલતદારને મળતા ધાનેરાના મામલતદારે મંગળવારે આ બાબતે તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં મોડી સાંજે પોતાની ટીમ સાથે રસ્તા ઉપર ઉભા રહેતા આ ગાડી ચાલકોને જાણ થતાં પોતાના ડમ્પરો રસ્તામાં જ જ્યાં હોટલ મળે ત્યાં સાઇડ કરી દીધા હતા. જેથી લાંબા સમય સુધી રાહ જોવા છતાં રાજસ્થાન જતા ડમ્પરો આવ્યા ન હતા પરંતુ રાજસ્થાનથી કપચી ભરીને આવતા બે ડમ્પરો જીજે08-એયુ-8520 તથા જીજે-08-એડબલ્યુ-4590ને રોકાવી તપાસ કરતાં એક ડમ્પર પાસે રોયલ્ટી મળી આવી નહી અને એક પાસે રોયલ્ટી હતી પરંતુ આ બન્ને ડમ્પરો ઓવરલોડ હોવાથી મામલતદારે વજન કરાવી ઓવરલોડ હોવાથી પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી.