રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠાના ધાનેરાના સામરવાડા ગામ પાસે જાણે સાઉથની ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રસ્તા પર પૂરપાટઝડપે આવી રહેલા કારના ચાલકે સ્ટીયરિીગ પરથી કાબૂ ગુમાવતા કાર પેટ્રોલપંપના સંકુલમાં ઘૂસી ગયા બાદ પલટી મારી ગઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે પલટી ગયા બાદ 6 ફૂટ ઊંચી દીવાલ કૂદી બાજુના ખેતરમાં જઈને પડી હતી. આ ઘટનામાં કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના પેટ્રોલપંપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
5 સેકન્ડમાં કારે 70 મીટરથી વધુનું અંતર કાપ્યું
બનાસકાંઠાના ધાનેરાના સામરવાડા પાસે અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે. તેમાં રસ્તા પરથી પૂરપાટઝડપે પસાર થઈ રહેલો કારચાલક કારના સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા પેટ્રોલપંપના સંકુલમાં ઘૂસી ગયો હતો. કારની સ્પીડ એટલી હતી કે, ટેકરા પર ઊછળ્યા બાદ પલટી ગઈ હતી અને 6 ફૂટની દીવાલ કૂદીને બાજુના ખેતરમાં પડી હતી.
કારચાલકનો ચમત્કારિક બચાવ
ફિલ્મી સ્ટંટ જેવા આ અકસ્માતની ઘટનામાં કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ધાનેરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવતા કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.