રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા માટે વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવતા પ્રાંત અધિકારીએ શુક્રવારે પોલીસ અને પાલિકાના લોકોને સાથે રાખીને સ્થળ મુકાલાત કરીને આ તમામ કતલખાના બંધ કરાવ્યા હતા અને જો ચાલુ કરશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે પાલિકાને સુચના આપી હતી. ધાનેરામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે કતલખાના ચાલી રહ્યા છે. આ બાબતે પાલિકામાં વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહતી.
પરંતુ શ્રાવણ મહિનો શરૂ થતાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ગુરુવારના રોજ ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને લોકોની રજૂઆતને લઇને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ખુદ પોતે શુક્રવારે પાલિકા ખાતે પહોંચ્યા હતા અને પોલીસની ટીમ બોલાવી નગરપાલિકાની ટીમ સાથે જ્યાં કતલખાના ચાલતા હતા તેવી જગ્યાઓ ઉપર પહોંચ્યા હતા. પરંતુ તે વેપારીઓને જાણ મળી જતાં તમામ દુકાનો બંધ કરી દીધી હતી. પરંતુ ફરી ના ચાલુ કરવા માટે ખાસ સુચના પણ આપવામાં આવી હતી.
જેમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી.પટેલ, ઇ.ચા. મામલતદાર એમ.કે.રાજપૂત, ચીફઓફિસર રૂડાભાઇ દેસાઇ સહિત પોલીસ અને પાલિકાની ટીમના લોકો જોડાયા હતા. ફરી ચાલુ ન કરવા ચેતવણી આપી છે અને જો ચાલુ કરે તો પાલિકા દ્વારા તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે એમ ચરણસિંહ ગોહિલ (પ્રાંત અધિકારી)એ જણાવ્યું હતું