હવાડા, શાળા, મંદિર અને રહેણાંક વિસ્તાર સુધી પાણી પહોંચતા લોકોમાં ખુશી

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં બોરવેલમાં પાણી ઓસરી જતા ગ્રામજનોને પીવાના પાણી માટેની સમસ્યા સામે લડવું પડ્યું હતું. જો કે માલોત્રા ગ્રુપ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચે સ્વખર્ચે રૂ. 52 હજારનું મોટરનું બિલ ચૂકવી નર્મદાનું પાણી ફતેપુરા ગામમાં પહોંચાડતા પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. ધાનેરાના ફતેપુરા ગામ સહિત મોટાભાગનાં ગામોમાં પંચાયત દ્વારા ચાલતા બોરવેલમાં પાણી ના હોવાના કારણે મોટર બળી જતી હોય છે. જેના કારણે વારંવાર. પાણીની સમસ્યા સર્જાય છે. સાથે સ્થાનિક ગ્રામ પંચાયતમાં ભંડોળ ના હોવાના કારણે પણ તકલીફ પડી રહી છે. જો કે માલોત્રા ગામના ઇન્ચાર્જ સરપંચ માસુંગભાઇએ રૂ.52 હજાર ખર્ચી પાણીની સમસ્યાને હલ કરવા નવી મોટર નાખી પાણી શરૂ કર્યું છે. આમ ધાનેરા તાલુકાના સામરવાડા ગામથી ફતેપુરા ગામ સુધી પાઇપ લાઈન નાખી યુદ્ધના ધોરણે ગુરુવારે પાણી આપી દેવામાં આવ્યું છે. નર્મદાનું પાણી પહોંચતા ફતેપુરા ગામના હવાડા, શાળા, મંદિર અને રહેણાંક વિસ્તાર સુધી પાણી મળી જતાં ગ્રામજનોએ સરપંચની કામગીરીની સરાહના કરી હતી.

Comments (0)
Add Comment