રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠાના લાખણી તાલુકાના નાંદલા ગામે બે દિવસ પહેલા સળગેલી હાલતમાં યુવકની મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ જ તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.
પૂનમ અને પ્રેમાએ 2011માં પ્રેમલગ્ન કર્યા હતા
લાખણી તાલુકાના નાંદલા ગામે બે દિવસ અગાઉ સળગી ગયેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ આગથળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ માટે અમદાવાદ
સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન પ્રાથમિક તપાસમાં જ મૃતક યુવકને બેભાન કરી સળગાવી દીધો હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે તરત જ એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જીણવટભરી તપાસ કરતા મૃતક પ્રેમા પટેલે રાજસ્થાનની પૂનમ વજીર નામની યુવતી સાથે 2011ની સાલમાં પ્રેમલગ્ન કર્યા હતા. સાંસારિક જીવનમાં તેમને બે સંતાનોની પ્રાપ્તિ થઈ હતી, પરંતુ ત્યારબાદ પૂનમ વજીરને થરાદના દેવા પટેલ સાથે આંખ મળી જતા બંને પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા અને પૂનમ તેના પતિને છોડી પ્રેમી સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગી હતી.
બેભાન કરી સળગાવી દીધો
પત્ની તેના પ્રેમી સાથે રહેવા ચાલી ગઈ હોવા છતા પ્રેમા પટેલે બે બાળકોની માતાને પછી મેળવવા માટે અવારનવાર પ્રયાસો કરતો હતો. જેથી બંને વચ્ચે ટેલીફોનિક બબાલ પણ થતી હતી. વારંવાર પ્રેમમાં આડખીલી રૂપ બનતા પતિનો કાંટો કાઢી નાખવા માટે પૂનમે તેના પ્રેમી સાથે મળી કારસો રચ્યો હતો અને નાંદલા ગામે તેનો પતિ ઘરમાં એકલો હતો તે સમયે તેને બેભાન કરી તેના પર ગોદડા,પ્લાસ્ટિક સહિતની ચીજ વસ્તુઓ નાખી સળગાવી દઈ તેની પત્ની અને પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેથી જિલ્લા એલસીબી પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ અને તેના પ્રેમીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી લીધા છે .