ધાનેરાના સામરવાડા પાસે રામદેવડા દર્શને જતા બાઈક સવારોને ગાડી ચાલકે ટક્કર મારી, બેને ઈજા, ગાડીમાંથી દારૂ મળી આવ્યો

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરાના સામરવાડા પાસે દારૂ ભરેલી ગાડીએ બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર થઈ રામદેવરા દર્શન કરવા જતા દર્શનાર્થીઓને દારૂ ભરીને આવી રહેલી ગાડીએ અડફેટે લેતા બાઈક પર સવાર બંને ઇસમોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે, જેને પગલે રાજસ્થાનમાંથી ગુજરાતમાં બુટલેગરો દ્વારા અનેક પ્રકારે દારૂ ઘૂસાડવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પોલીસને ચકમો આપી બુટલેગરો દારૂ લઈ ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે, ત્યારે આજે ધાનેરાના સામરવાડા પાસે એક દારૂ ભરેલી ગાડીનો અકસ્માત થયો હતો. રાજસ્થાનમાં આવેલ રામદેવરા દર્શન કરવા માટે ગુજરાતમાંથી અનેક માઇ ભક્તો બાઈક દ્વારા અથવા ચાલતા દર્શન કરવા જતા હોય છે, ત્યારે આજે વહેલી સવારે બાઈક ચાલકો રામદેવરા દર્શન કરવા માટે જતા હતા, તે દરમિયાન દારૂ ભરીને આવી રહેલી ગાડીએ બાઈકને ટક્કર મારી હતી. જેથઈ બાઈક પર સવાર બંને ઇસમો રોડ ઉપર પટકાયા હતા. જેથી તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ બંને યુવાનો ખંભાતના તારાપુરાના હોવાનું સામે આવ્યું છે

ગાડીએ બાઈકને ટક્કર માર્યા બાદ ગાડીમાંથી ચાલક ઉતરી ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. અકસ્માતના કારણે લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. જેને પગલે ધાનેરા પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત બાઈક સવારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે ગાડી ચેક કરતા ગાડીમાંથી 40 હજાર રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ધાનેરા પીઆઈ A T પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાડીમાંથી 40 હજારનો દારૂ ઝડપાયો છે. ગાડી ચાલાક ગાડી મૂકીને ભાગી ગયો હતો. રોડ પર બાવળ પડેલ હતો જેના લીધે સામેથી આવી રહેલી મોટરસાઈકલને ટક્કર લાગી હતી. જેથી અકસ્માતને પગલે ગાડી ચાલક રોડ ઉપર ગાડી મૂકીને નાસી ગયો હતો. મોટરસાઈકલ વાળા બે લોકોને ઈજા પહોંચી છે. થોડા દિવસ અગાઉ પાલનપુરના ગઠામણ પાટીયા નજીક દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરીને જતા કાર ચાલાકે સ્ટ્રીંગ પરનો કાબુ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ હતી જે બાદ કારમાં સવારે બે લોકો કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. જોકે, સમગ્ર ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતા.

Comments (0)
Add Comment